યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા દર શનિવારે રજા રાખવાની મુખ્ય માગણી સાથે ૨૮થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાલમાં ગુજરાતના ૫૦ હજાર અને સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ હજાર કર્મચારીઓ જોડાશે. જેથી કરોડો રૂપિયાના વ્યવહારો અને ચેક ક્લિયરિંગ અટકી જવાની શક્યતા છે. હડતાલને ધ્યાનમાં રાખી આરબીઆઈના આદેશથી રવિવારે પણ બેંકો ખુલ્લી રાખવામાં આવી હતી. ગ્રાહકોએ બેંક હડતાલ અંગે ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે યુનિયનના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે ૫-દિવસીય બેંકિંગ અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિર્ણય ન આવતા આ પગલું ભરવું પડ્‌યું છે. એટીએમમાં રોકડ ખૂટી જવાની ભીતિ વચ્ચે યુનિયને સામાન્ય જનતાને પડનારી અગવડ બદલ માફી માગી છે.