સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં. ૬ના વેલનાથપરા વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવા માટે તોડવામાં આવેલો સી.સી. રોડ ૮ મહિના બાદ પણ યોગ્ય રીતે રીપેર ન થતાં સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ મુદ્દે નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ સત્તાધીશો સામે સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ટેન્ડરની શરતો પ્રમાણે રોડ પર ૪ ઈંચનું સી.સી. કામ કરવાનું હોવા છતાં એજન્સી પાસે કામ કરાવવાને બદલે માત્ર મોરમ નાખી દેવાયો હોવાનો આક્ષેપ છે. જેના કારણે રસ્તા પર ધૂળ-માટી અને ખાડાઓથી અકસ્માતનો ભય રહે છે. ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થયાનો આક્ષેપ કરાયો છે. તેમણે ટેન્ડર અને બિલની નકલો જાહેર કરી તટસ્થ તપાસ કરવા તેમજ સાત દિવસમાં યોગ્ય રીપેરીંગ કરવાની માગ કરી છે.






































