ધારી-અમરેલી હાઈવે પર આજે એક સાઈડથી બીજી સાઈડ પસાર થતો જીવતો વીજ વાયર અચાનક તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જીવતો વીજ વાયર રસ્તા પર તૂટી પડતાં હાઈવે પર લક્ઝરી બસ, એસટી બસ તેમજ અન્ય તોતિંગ વાહનોનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. વીજ વાયર રસ્તા પર પડેલો હોવાથી વાહનચાલકો અને મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ પીજીવીસીએલ તંત્રને થતાં કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ, જીવતો વીજ વાયર કોઈ વ્યક્તિના સંપર્કમાં આવી જાનહાનિ સર્જે તે પહેલાં આસપાસના દુકાનદારો પણ કામગીરીમાં જોડાયા હતા અને લોકોને દૂર રાખવા પ્રયાસ કર્યો હતો. વીજ તંત્રની કામગીરી બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના સમયે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકોને પણ હાલાકી ભોગવવી પડી હતી.







































