સુરત-મહુવા ટ્રેન (નં. ૧૯૨૫૫)નો રૂટ બદલીને વાયા સરખેજ-ધંધુકા કરવા ભાવનગર ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડ્ઢઇસ્)ને લેખિત રજૂઆત કરાઈ છે. અમરેલી જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજુભાઈ મિલને કરેલી આ રજૂઆત મુજબ, અમરેલી અને બોટાદ જિલ્લાના ઘણા લોકો સુરતમાં વસે છે અને નિયમિત વતનમાં અવરજવર કરે છે. હાલ આ ટ્રેન સુરેન્દ્રનગર અને વિરમગામ થઈને ચાલતી હોવાથી મુસાફરોનો વધુ સમય બગડે છે અને લાંબુ અંતર કાપવું પડે છે. જો ટ્રેન વાયા ધંધુકા દોડાવવામાં આવે તો મુસાફરીમાં દોઢ કલાક જેટલા સમયની સીધી બચત થશે તેમજ અંતર અને ખર્ચ ઘટતાં પ્રવાસીઓને મોટી રાહત મળશે. આ નિર્ણય તત્કાલ અમલમાં મૂકવાની માંગ સાથે પત્રની નકલ સાંસદ પરશોત્તમ રૂપાલા અને સાંસદ ભરતભાઈ સુતરીયાને પણ મોકલવામાં આવી છે.