સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામને આશરે ૧૫ વર્ષથી સબ ડિવિઝન કચેરી મળી હોવા છતાં ૫૨ ગામોને પૂરતી સુવિધા મળતી ન હોવાની ફરિયાદ ઉઠી છે. કચેરીના નાયબ ઈજનેરની ત્રણ માસ પૂર્વે સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી હતી, પરંતુ તેમના સ્થાને હજુ સુધી નવા નાયબ ઈજનેરની નિમણૂક કરવામાં આવી નથી. હાલ જુનિયર ઈજનેરને ચાર્જ સોંપીને કામગીરી ચલાવવામાં આવી રહી છે. વારંવાર રજૂઆતો છતાં ખાલી જગ્યાએ નાયબ ઈજનેરની નિમણૂક કરવામાં આવી નથી.બીજી તરફ, સાવરકુંડલા ડિવિઝન કચેરીમાં લાંબા સમયથી ૨૫ દ્ભફછના ટ્રાન્સફોર્મરની અછત હોવાનું જણાવાયું છે. ટ્રાન્સફોર્મર ફેઈલ થયા બાદ ખેડૂતોને ૧૦થી ૧૨ દિવસ સુધી ધક્કા ખાવા પડે છે. કચેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ ઉપલી કચેરીમાંથી જરૂરિયાત કરતાં ઓછો પાવર મળતો હોવાથી સાત સબ ડિવિઝનમાં વહેંચણી કરતાં વિજપડીને જરૂરિયાત સામે માત્ર ૧૦ થી ૧૫ ટકા જેટલો પાવર મળે છે. જંગલી પ્રાણીઓની અવરજવર વચ્ચે રાત્રિના સમયે વીજળી બંધ રહેતા ખેડૂતો અને ખેતમજૂરોની મુશ્કેલી વધે છે. કિસાન આગેવાન અમાનભાઈ રસભર્યાએ તા.૨૪-૦૯-૨૦૨૬ના રોજ ઊર્જા સચિવ ગાંધીનગર સહિત સંબંધિત કચેરીઓ અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી છે.