અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડતા મોટાભાગના બોર અને કૂવાના પાણીના તળ નીચે ગયા છે. શરૂઆતના વરસાદથી પાણીના તળ ઊંચા આવ્યા હતા, પરંતુ એક મહિના સુધી વરસાદ ખેંચાતા ખેડૂતોએ ઉભા પાકને બચાવવા બોર-કૂવાના પાણીનો ઉપયોગ કર્યો હતો.
અઠવાડિયા પહેલાં થોડો વરસાદ થયો હતો, પરંતુ તે અપૂરતો રહેતા પાણીના તળમાં ખાસ વધારો થયો નથી. પરિણામે શિયાળુ રવિ પાક જેવા કે ઘઉં, ચણા, કપાસ અને દિવેલાનું વાવેતર તથા ઉત્પાદન અસરગ્રસ્ત થવાની શક્યતા છે. ત્યારે સૌની યોજના હેઠળ અમરેલી જિલ્લાના તમામ નાના-મોટા ડેમો ભરવા તાત્કાલિક આયોજન કરી પાઇપલાઇનની કામગીરી હાથ ધરવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે. આ માંગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિમંત્રી તથા અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણી સહિત ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદ સમક્ષ કરવામાં આવી છે.



































