યુપીઆઈ પર ચાર્જનો નિર્ણય અમેરિકાના દબાણ હેઠળ લેવાયો છે ?
કેન્દ્ર સરકારે યુનિફાઈટ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ UPI દ્વારા થતી રૂપિયા ૨૦૦૦થી વધારેની ચૂકવણી પર ૧૫ ઓક્ટોબરથી ૦.૪૦ ટકા ચાર્જ લેવાની જાહેરાત કરી તેના પગલે આ સવાલ ચર્ચામાં છે. અત્યાર લગી યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ નહોતો લાગતો. ૧૫ ઓક્ટોબરથી યુપીઆઈથી બે હજાર રૂપિયાથી વધારેની ચૂકવણી પર ૦.૪૦ ટકા ચાર્જ લાગશે. ૭૫ હજારથી વધારેની ગમે તેટલી ચૂકવણી પર ફિક્સ ૩૦૦ રૂપિયા ચાર્જ લાગશે. મતલબ કે, યુપીઆઈ પેમેન્ટ પરના ચાર્જની મહત્તમ મર્યાદા ૩૦૦ રૂપિયા નક્કી કરાઈ છે. રૂપે ડેબિટ કાર્ડ દ્વારા થતા પેમેન્ટને પણ નિયમો લાગુ પડવાના છે.
આ જાહેરાત સામે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, અમેરિકન કંપનીઓના દબાણ હેઠળ આ નિર્ણય લેવાયો છે કેમ કે યુપીઆઈથી ચૂકવણી પર કોઈ ચાર્જ નથી લેવાતો તેના કારણે અમેરિકન કંપનીઓને નુકસાન થાય છે. આ કંપનીઓના દબાણ હેઠળ અમેરિકન સરકારે ભારત સરકાર પર દબાણ કર્યું તેથી કેન્દ્ર સરકારે યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ ઠોકી દીધો છે. આ ચાર્જના કારણે મોંઘવારીમાં પિસાતાં લોકો પર બોજ વધશે એવો પણ કોંગ્રેસનો આક્ષેપ છે.
ભાજપ સરકારે આ આક્ષેપને વાહિયાત ગણાવ્યો છે. કેન્દ્ર સરકારે ચોખવટ કરી છે કે, સામાન્ય લોકો પર કોઈ પણ પ્રકારનો વધારાનો બોજ નથી આવવાનો કેમ કે ૦.૪૦ ટકા ચાર્જ વેપારીઓએ ભોગવવાનો છે. કેન્દ્ર સરકારે અમેરિકન કંપનીઓના દબાણ હેઠળ નિર્ણય લેવાય હોવાની વાતને પણ ખોટી ગણાવીને સ્પષ્ટતા કરી છે કે, યુપીઆઈનો ઉપયોગ અત્યંત ઝડપ વધી રહ્યો હોવાથી યુપીઆઈને સુરક્ષિત રાખવા, સાયબર ફ્રોડ રોકવા, ટેકનોલોજી અપગ્રેડ કરવા અને પેમેન્ટ સિસ્ટમની મજબૂતાઈ જાળવી રાખવાનો ખર્ચ વધી રહ્યો છે. દેશમાં ડિજિટલ પેમેન્ટમાંથી ૮૫ ટકા પેમેન્ટ યુપીઆઈથી થતા હોવાથી સાયબર ફ્રોડ પણ વધી રહ્યા છે તેથી સિસ્ટમને મજબૂત કરવી જરૂરી છે અને એ માટે સતત ખર્ચ કરવો પડે. સરકાર લાંબા સમયથી આ ખર્ચ કરી રહી છે પણ સામે ખર્ચ વધી રહ્યો છે તેથી ખર્ચને પહોંચી વળવા અને વધારાની આવક ઉભી કરવા માટે આ ટેક્સ લાદવો પડ્‌યો છે.
આ દલીલ સાચી છે કે નહીં એ તપાસી લઈએ.
યુપીઆઈ ચલાવવાનો ખર્ચ કેટલો છે ?
કેન્દ્ર સરકારની માલિકીની નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા NPCIએ યુપીઆઈ સિસ્ટમ ચલાવવા માટે વરસે ૮૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ભારતમાં યુપીઆઈનો ઉપયોગ વધી રહ્યો છે તેથી આ ખર્ચ પણ વધી રહ્યો છે એટલે બે વર્ષમાં યુપીઆઈ સિસ્ટમ ચલાવવાનો ખર્ચ વધીને ૧૦ હજાર કરોડ રૂપિયા થઈ જશે એવું મનાય છે.
કેન્દ્ર સરકાર પહેલાં બજેટમાં યુપીઆઈ સિસ્ટમ માટે સારી ફાળવણી કરતી હતી પણ ધીરે ધીરે આ રકમ ઘટી રહી છે તેથી બેંકો અને ફિનટેક કંપનીઓએ આ ખર્ચ ઉઠાવવો પડે છે. ૨૦૨૩-૨૪ માં કેન્દ્ર સરકારે ડિજિટલ ચુકવણી માટે ૩,૯૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા પણ ૨૦૨૫-૨૬ માં આ ફાળવણી ધટાડીને માત્ર ૪૨૭ કરોડ રૂપિયા કરી દેવાઈ. કેન્દ્ર સરકારે ૨૦૨૬-૨૭માં ૨૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે પણ આ ફાળવણી રૂપે ડેબિટ કાર્ડ અને ભીમ એપના પ્રમોશન માટે છે.
આ આંકડા જોયા પછી લાગે કે, કેન્દ્ર સરકારની દલીલ સૈધ્ધાંતિક રીતે સાચી છે. ભારતમાં યુપીઆઈને જોરદાર સફળતા મળી જ છે તેથી તેનો વપરાશ વધી રહ્યો છે. તેના કારણે સાયબર ક્રાઈમ વધ્યા છે તેથી સિસ્ટમને મજબૂત કરવી પડે ને એ માટે ખર્ચ પણ કરવો પડે પણ આ ખર્ચને પહોંચી વળવા માટે ટેક્સ લાદવો જ પડે એવી સ્થિતી નથી જ.
યુપીઆઈની માલિકી કેન્દ્ર સરકારની છે અને તેનું સંચાલન એનપીસીઆઈ કરે છે. રીઝર્વ બેંક અને બેંકોના બનેલા ઈન્ડિયન બેંક એસોસિએશને બનાવેલા એનપીસીઆઈને યુપીઆઈ ચલાવવા માટે કે તેને મજબૂત કરવા માટે જોઈતાં નાણાં બેંકો આપી શકે તેમ છે જ. ઈન્ડિયન બેંક એસોસિએશનમાં ૨૪૭ બેંકો અને નાણાંકીય સંસ્થાઓ સભ્ય છે. યુપીઆઈ સાથે જોડાયેલી બેંકોની સંખ્યા તો જુલાઈ ૨૦૨૬ સુધીમાં ૭૪૧ હતી. આપણે આ બેંકોને ગણતરીમાં ન લઈએ ને એસોસિએશનની બેંકો તથા નાણાંકીય સંસ્થાઓ વચ્ચે જ ૧૦ હજાર કરોડ રૂપિયાને વહેંચીએ તો દરેકના ભાગમાં ૪૦ કરોડ રૂપિયા આવે. કોઈ પણ બેંક કે નાણાં સંસ્થા માટે આ રકમ મોટી નથી. વાસ્તવમાં યુપીઆઈને કારણે બેંકો તથા નાણાં સંસ્થાઓને તેનાથી વધારે તો બચત જ થઈ ગઈ છે.
યુપીઆઈ સિસ્ટમને કારણે બેંકો પરની જવાબદારી ઘટી છે તેથી નવી ભરતી કરવી પડતી નથી. બેંકો શાખાઓ પણ બંધ કરી રહી છે, સરકાર મર્જર કરીને સરકારી બેંકોની સંખ્યા ઘટાડી રહી છે. યુપીઆઈના કારણે ચેક, સ્લિપ્સ વગેરે સ્ટેશનરીના ખર્ચમાં પણ જંગી ઘટાડો થયો છે એ જોતાં બેંકોને જોરદાર બચત થઈ જ રહી છે. આ બચત યુપીઆઈ સિસ્ટમને મજબૂત કરવા વાપરી શકાય.
યુપીઆઈ પર ચાર્જથી અમેરિકાને ફાયદો છે ?
અમેરિકાને સીધી રીતે કોઈ ફાયદો નથી પણ અમેરિકન કંપનીઓને ચોક્કસ ફાયદો છે. અત્યારે ભારતમાં થતાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાંથી ૮૦ ટકા અમેરિકાની બે કંપનીઓ ગુગલ પે અને ફોનપે મારફતે થાય છે. ફોનપે વોલમાર્ટ ગ્રુપની કંપની છે જ્યારે ગુગલ પે ગુગલ ગ્રપની કંપની છે. આ બંને કંપની મારફતે ભારતમાં અબજોનાં ટ્રાન્ઝેક્શન્સ થાય છે પણ બદલામાં કંઈ મળતું નથી. હવે ૦.૪ ટકા એમડીઆર લાગશે તેથી બંને કંપનીઓને આર્થિક ફાયદો થશે જ. ભારતમાં દર મહિને ૨૦ અબજથી વધારે ટ્રાન્ઝેક્શન્સ થાય છે ને તેમાંથી રકમની રીતે ૬૫ ટકાથી વધારે ટ્રાન્ઝેક્શન્સ બે હજાર રૂપિયાથી વધારેનાં હોય છે. આ નિયમના કારણે આ બંને કંપનીઓને દર મહિને અબજો રૂપિયાની કમાણી થવા માંડશે.
આ સિવાય બીજી બે અમેરિકન કંપનીઓ વિઝા અને માસ્ટરકાર્ડને પણ ફાયદો થશે. વિશ્વમાં વિઝા અને માસ્ટરકાર્ડ સૌથી મોટી પેમેન્ટ કંપનીઓ છે. અમેરિકાની આ બંને કંપનીઓ વરસોથી ઝીરો પર્સેન્ટ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) આધારિત યુપીઆઈ સિસ્ટમનો વિરોધ કરે છે કેમ કે તેના કારમે લોકો ક્રેડિટ કાર્ડનો ઓછો ઉપયોગ કરી રહ્યાં છે.
પહેલાં દુબઈ, સિંગાપોર કે મોરેશિયસ જતા ભારતીયો માસ્ટરકાર્ડ કે વિઝા કાર્ડથી પેમેન્ટ કરતાં ને તેમાં કમિશન મળતું તેથી અમેરિકન કંપનીઓને ઘી-કેળાં હતાં. હવે યુપીઆઈથી સીધું ખાતામાંથી જ પેમેન્ટ કરી દેવાય છે એટલે કમિશન બંધ થઈ ગયું છે. પહેલાં પેમેન્ટ કરવા માટે એક ચલણ આપીને બીજું ચલણ લેવું પડતું તેમાં અમેરિકાની કંપનીઓ કમાતી હતી. હવે રૂપિયો ઘણા દેશોમાં ચાલે છે તેથી કન્વર્ઝન ચાર્જ બંધ થઈ ગયો તેના કારણે પણ અમેરિકન કંપનીઓને નુકસાન છે. હવે થોડાંક લોકો પણ ક્રેડિટ કાર્ડ તરફ વળે તો બંને કંપનીઓને ફાયદો જ છે. વિઝા અને માસ્ટરકાર્ડ સહિતની કંપનીઓનું બનેલું અમેરિકન ક્રેડિટ અને ડેબિટ કાર્ડ નેટવર્ક દરેક સ્વાઇપ પર વેપારીઓ પાસેથી ચોક્કસ ટકાવારી ફી તરીકે વસૂલે છે તેથી ભારતમાં પણ એવું મોડલ હોવું જોઈએ એવી તેમની માગણી હતી તેના કારણે અમેરિકાના દબાણ હેઠળ નિર્ણય લેવાયો હોવાની છાપ પડી છે.
યુપીઆઈ પર ચાર્જથી ગ્રાહકોને નુકસાન છે ?
કેન્દ્ર સરકાર ના પાડે છે પણ આ વાત કોઈને ગળે ઉતરતી નથી કેમ કે ભારતમાં બધો ભાર છેવટે ગ્રાહકો પર જ આવે છે. અત્યારે ભલે વેપારીઓ આ ચાર્જ ભોગવશે એવી જાહેરાત કરાઈ હોય પણ વેપારીઓ પોતાના નફામાં કાપ મૂકે એ વાતમાં માલ નથી. વેપારીઓ કિંમતમાં વધારો કરીને પણ આ ચાર્જ ગ્રાહકો પાસેથી જ વસૂલશે એવો લોકોને ડર છે ને અત્યાર સુધીનો અનુભવ જોતાં આ ડર સાચો લાગી રહ્યો છે. આ ચાર્જની રકમ બહુ નાની હશે પણ કોઈને પણ ખિસ્સામાંથી વધારાની રકમ આપવી પડે એ ગમતું નથી તેથી ગ્રાહકો પણ નારાજ થશે જ.