નેપાળની હોનારત ચીનસર્જિત છે ?
નેપાળમાં આવેલા પૂરે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. સત્તાવાર રીતે ૧૧૦૦થી વધારે લોકોનો ભોગ લેનારા આ પૂરના કારણે હજારો લોકો બેઘર બન્યાં છે. ધસમસતા પાણીના પ્રવાહમાં ઘાસનાં તણખલાંની જેમ તણાતાં ઘરોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે તેના પરથી જ પૂર કેવું વિનાશક હશે તેનો અંદાજ આવી જાય. તિબેટમાં તળાવ ફાટવાથી થયેલી આ હોનારતના મારના આઘાતમાંથી નેપાળ બહાર આવે એ પહેલાં તો બીજો આવો જ બંધ ફાટ્યો પણ તેના કારણે બહુ તબાહી ના થઈ તેથી થોડી રાહત છે.
નેપાળમાં કેટલાં લોકોનાં મોત થયાં, કેટલું નુકસાન થયું તેના અંતિમ આંકડા આવતાં હજુ વાર લાગશે પણ આ હોનારતે ચીનની ભૂમિકા સામે સવાલ પેદા કરી દીધા છે. ચીને દાવો કર્યો છે કે, તિબેટમાં પડેલા અતિભારે વરસાદ અને હિમશીલાઓના પિગળવાથી ભોટેકોશી નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતું અને તેમાં ભેખડો તૂટવાથી માટી આવી એટલે વહેતી નદીનો પ્રવાહ રોકાઈ ગયો.
પહાડોની માટી અને પથ્થરોના કારણે એક દીવાલ ઉભી થઈ ગઈ તેથી પાણી એક જગાએ ભેગું થવા માંડ્‌યું. ગારો એટલે કે માટી-પથ્થરોના પાણીથી બનેલું એક વિશાળ તળાવ બની ગયું હતું. બીજી તરફ ધોધમાર વરસાદ અને હિમશીલાઓના ધોવાણના કારણે નદીમાં પાણીનો પ્રવાહ સતત ચાલુ હતો. પથ્થરો-માટીની દીવાલ પ્રવાહના દબાણને સહન ના કરી શકી તેથી તળાવ ફાટી ગયું. તળાવનું ધસમસતું પાણી નેપાળમાં ફરી વળ્યું. તેમાં નદીકિનારે થયેલાં બાંધકામોનો કાટમાળ પણ ભળ્યો તેથી ભારે તબાહી થઈ.

ચીનની આ વાત કોઈને ગળે નથી ઉતરી રહી.
છ-સાત વર્ષ પહેલાં ચીનની લેબારેટરીમાં ચાલી રહેલા પ્રયોગોમાંથી કોરોનાનો વાયરસ છૂટો થઈ ગયો તેમાં આખી દુનિયાની વાટ લાગી ગઈ હતી. અત્યારે પણ એવું જ થયું હોવાનું નિષ્ણાતો માને છે. નિષ્ણાતોના મતે, ચીન હિમાલયની પર્વતમાળામાં આડેધડ બાંધકામો કરવાથી માંડીને નદીઓનાં વહેણ બદલી નાંખવા સહિતના પ્રયોગો કરી રહ્યું છે તેનાં આ દુષ્પરિણામ છે.
ચીન તિબેટમાં પર્વતીય વિસ્તારોમાં બેફામ બાંધકામ કરી રહ્યું છે. લશ્કરી છાવણીઓ બાંધવાથી માંડીને આખેઆખાં ગામ ચીને તાણી બાંધ્યાં છે. ચીન તિબેટમાંથી નિકળતી નદીઓનાં પાણી વાળવા માટે પણ મથી રહ્યું છે. સામાન્ય રીતે પાણીનો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફનો હોય પણ ચીન દક્ષિણથી ઉત્તર તરફ પાણી વાળવાના પ્રયોગો કરી રહ્યું છે. ચીને ડિસેમ્બર ૨૦૦૩માં આ પ્રોજેક્ટ હાથ ધરેલો. ચીનના દક્ષિણ ભાગમાં એટલે કે ભારત, નેપાળ સહિતના દેશોની નજીકના વિસ્તારોમાં વધારે પાણી છે જ્યારે દક્ષિણમાં જળસંકટ છે. આ જળસંકટને દૂર કરવા હાથ ધરાયેલા પ્રોજેક્ટ માટે ચીને પર્વતીય વિસ્તારોમાં અનેક ડેમ બાંધ્યા છે અને પહાડો ખોદીને પાઈપલાઈનો નાંખી છે. ચીને નદીઓનાં પાણીને રોકવા માટે નાના નાના બંધ અને તળાવો બાંધ્યા છે. આ બાંધકામોના કારણે તાપમાન વધી રહ્યું છે તેમાં હિમશીલાઓ ઝડપથી પિગળી રહી છે તેથી નદીઓમાં વારંવાર પૂર આવે છે અને ભુકં૫ના આંચકા પણ આવે છે. આવા જ આંચકાને કારણે કોઈ બંધ તૂટી ગયો તેમાં નેપાળમાં તબાહી થઈ ગઈ એવો એક મત છે.

ભારત પર નેપાળ જેવો ખતરો છે ?
ચોક્કસ છે અને ભૂતકાળમાં ભારતમાં પણ આ રીતે જ કૃત્રિમ સરોવર બનવાથી ભારે તબાહી સર્જાવાની ચેતવણી અપાઈ જ હતી. યોગાનુયોગ આ ચેતવણી પણ ચીને જ આપી હતી. ૮ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૮માં ચીને ચેતવણી આપી હતી કે, તિબેટમાં ૧૭ ઓક્ટોબરે ભેખડો ધસી પડવાથી યાર્લુંગ સાંગપો એટલે કે બ્રહ્મપુત્રા નદીના પાણીનો પ્રવાહ રોકાતાં એક
કૃત્રિમ સરોવરનું નિર્માણ થયું છે. આ કૃત્રિમ સરોવર ગમે ત્યારે તૂટી પડશે ને અરૂણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદીનાં ધસમસતાં પાણી ફરી વળશે તેથી જબરદસ્ત તબાહી થશે એવી ચેતવણી ચીને આપી હતી.
ભારતે ચીનની ચીનની આ ચેતવણીને ગંભીરતાથી લઈને અરૂણાચલ પ્રદેશમાં ઘરો ખાલી કરાવીને લોકોને સલામત સ્થળે ખસેડી દીધાં હતાં. અરૂણાચલ પ્રદેશની સરહદે આવેલા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવાયું હતું. લોકો હાંફળાંફાંફળાં થઈને જે મળ્યું તે લઈને ભાગવા માંડ્‌યાં હતાં. બ્રહ્મપુત્રા નદી આસામમાં પણ જાય છે તેથી આસામમા પણ લોકો ગભરાટમાં ભાગવા માંડ્‌યાં હતાં. ભારતમાં ભયંકર ગભરાટનો માહોલ પેદા કર્યા પછી ચીને રાહતના સમાચાર આપ્યા હતા કે, બ્રહ્મપુત્રામાં પાણીનું સ્તર ઘટી ગયું છે એટલે કૃત્રિમ સરોવર ફાટે ને તેનાં પાણી ભારતમાં ફરી વળે તેવો ખતરો નથી.
આ ડ્રામાના કારણે ચર્ચા શરૂ થયેલી કે, ચીને ભારતમાં ડર પેદા કરવા અને ભવિષ્યમાં પોતે ભારતને તબાહ કરી શકે છે તેનો અહેસાસ કરાવવા માટે આ નાટક કરેલું. ખરેખર કોઈ કૃત્રિમ સરોવર બનેલું કે ચીને આપણને એમ જ દોડતા કરી દીધા એવો સવાલ પણ થવા માંડેલો.
નેપાળની
આભાર – નિહારીકા રવિયા હોનારત ચીને ૮ વર્ષ પહેલાં આપેલી ચેતવણી જેવા જ સંજોગોના કારણે સર્જાઈ છે. આ કારણે અત્યારે નવો સવાલ પૂછાઈ રહ્યા છે કે, ખરેખર આ કુદરતી આફત છે કે, ચીન પોતાનાં પાપના કારણે પેદા થયેલી સ્થિતી માટે દોષનો ટોપલો કુદરત પર ઢોળી રહ્યું છે ? ચીને બંધ તોડીને તબાહી કેવી તબાહી સર્જી શકાય તેનો અંદાજ લગાવવા માટે નેપાળ પર પ્રયોગ કર્યો હોય એ શક્યતા પણ નકારી ના શકાય. નેપાળ નાનકડો દેશ છે અને ચીન સામે બોલવાની તેની કોઈ તાકાત નથી તેથી ચીન તેના પર પ્રયોગ કરીને ભવિષ્યમાં તેનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકે.

ચીન ગમે તે કરી શકે.
ચીને ખરેખર શું કર્યું એ આપણને ખબર નથી પણ આ ઘટનાક્રમે આપણને અહેસાસ કરાવી દીધો છે કે, ચીન ધારે તો આપણાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ઘણા મોટા પ્રદેશને ગણતરીના કલાકોમાં તબાહ કરી શકે છે. ભારતની બ્રહ્મપુત્રા, સિંધુ અને સતલજ આ ત્રણ નદીઓ તિબેટમાંથી નિકળે છે તેથી આ ત્રણમાંથી કોઈ પણ નદીનું પાણી રોકીને પછી છોડી દે તો ભારે તબાહી થાય.
બ્રહ્મપુત્રા નદી તિબેટમાંથી એટલે કે ચીનમાંથી જ નિકળે છે ને ચીનમાં એ યારલુંગ ઝાંગબો તરીકે ઓળખાય છે. ચીનથી ભારત આવીને પછી બાંગ્લાદેશ જતી બ્રહ્મપુત્રા ભારતમાં અરૂણાચલ પ્રદેશથી પ્રવેશીને પછી આસામમાં જાય છે. આખું આસામ અને અરૂણાચલ પ્રદેશ તો બ્રહ્મપુત્રાના પાણી પર નભે જ છે પણ ઉત્તર-પૂર્વનાં બધાં રાજ્યોમાં બ્રહ્મપુત્રાનાં પાણીના કારણે લીલાલહેર છે. ભારતે બ્રહ્મપુત્રા-યમુના લિંક બનાવીને તેનું પાણી યમુના નદીમાં વાળ્યું હોવાથી ઉત્તર ભારતને પણ તેનો ભરપૂર લાભ મળે છે.
ચીન ટેકનોલોજીમાં રાક્ષસી તાકાત ધરાવે છે તેથી લાંબા સમયથી બ્રહ્મપુત્રાનો ઉપયોગ ભારત સામે હથિયાર તરીકે કરવાની યોજના અમલમાં મૂકી જ દીધી છે.
ચીન ભારતને દબાણમાં રાખવા પણ બ્રહ્મપુત્રાના પ્રવાહને અવરોધવાની યોજનાના ભાગરૂપે ચીને તેના પર ૧૧ મોટા ડેમ બાંધીને તેનું મોટા ભાગનું પાણી રોકવાની યોજના અમલમાં મૂકી છે. આ સિવાય નાના ડેમ બનાવીને તેનો ઉપયોગ ભારત સામે હથિયાર તરીકે કરી શકે છે.

ચીનના કારણે ભૂકંપનો પણ ખતરો છે.
તિબેટમાં ચીન રેલ્વે લાઈન સહિતના પ્રોજેક્ટ હાથ ધર્યા છે તેના કારણે ભૂકંપનો ખતરો પણ વધ્યો છે. ચીનનો સિચુઆન-તિબેટ રેલવે પ્રોજેક્ટ પહાડી વિસ્તારોમાંથી પસાર થશે. તેના ભાગરુપે ચીનના નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશન દ્વારા સુયાઆન-લિનઝી સેક્શન પર કામ કરાઈ રહ્યું છે. ૨૬ સ્ટેશનો સાથે ૧,૦૧૧ કિલોમીટર લાંબી આ રેલ્વે લાઈ માટે મોટા પાયે પુલ, ટનલ બંધાઈ રહ્યાં છે. આ પ્રોજેક્ટ માટે સેંકડો કિલોમીટરના કામચલાઉ રસ્તા બનાવાયા અને હજારો કિલોમીટરની વીજળી લાઇનો નંખાઈ છે. આ સિવાય મજૂરોના રહેવા માટેનાં મકાનો સહિતનાં બાંધકામ પણ મોટા પાયે કરાયાં છે.
આ આખું બાંધકામ ભૂકંપ ઝોનમાં થઈ રહ્યું છે તેથી હિમાલયના આખા વિસ્તાર પર ભૂકંપનો ખતરો વધી ગયો છે. હવે હિમાલયના પહાડી વિસ્તારમાં ભૂકંપ આવે તો સૌથી વધારે અસર ભારતને જ થાય એ જોતાં ભારત પર બહુ મોટો ખતરો છે.
કમનસીબે ચીનની હરકતોને ભારત રોકી શકે તેમ નથી, ચીન કુદરતી હોનારતો સર્જીને તબાહી કરવાના ધંધા પોતાના વિસ્તારમાં કરી રહ્યું હોવાથી આપણા હાથ બંધાયેલા છે.