હિન્દી-ચીની, ભાઈ-ભાઈ.
જવાહરલાલ નહેરૂએ ૧૯૫૦ના દાયકામાં ચીન સાથેના સંબંધો ગાઢ બનાવવા માટે મથામણ શરૂ કરી ત્યારે આ નારો વહેતો કરેલો. નહેરૂ પંચશીલના સિધ્ધાંતોની વાતો કરતા અને ચીન સાથેના સંબંધો ગાઢ બનાવીને આગળ વધવાના આશાવાદમાં જીવતા હતા પણ ચીને ૧૯૬૨માં આક્રમણ કરીને નહેરૂના આદર્શવાદની હવા કાઢી નાખી હતી.
ભારત અને ચીનના સંબંધો ૧૯૬૨ના યુધ્ધના કારણે વણસ્યા પછી કદી સારા જ ના થયા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી તેમણે ચીન સાથેના સંબંધો મજબૂત બનાવવા પ્રયત્નો કરેલા પણ ૨૦૨૦ની ગલવાન ખીણ અથડામણના કારણે એ પ્રયત્નો પર બ્રેક વાગી ગઈ હતી.
હવે ફરી ભારત અને ચીન નજીક આવી રહ્યાં છે ને તેનું કારણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા ટેરિફ છે. ટ્રમ્પે અમેરિકામાં આવતા ભારતના માલ પર ૫૦ ટકા ટેરિફ લાદી દીધી તેના કારણે ભારતે આર્થિક હિતો જાળવવા માટે નવા સાથીઓ શોધવા જરૂરી છે. મોદીએ એ માટે ચીન તરફ મીટ માંડી છે કેમ કે ચીન અમેરિકા પછી દુનિયામાં સૌથી મોટી આર્થિક તાકાત છે.
મોદી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગને મળ્યા ત્યારે બંને દેશોના સંબંધો ગાઢ કરવા અને ખાસ તો આર્થિક સહકાર મજબૂત કરવાની પહેલ કરવા સંમતિ સધાઈ છે તેથી ભારત અને ચીન ફરી નજીક આવી રહ્યા હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. નહેરૂના સમયમાં અતિ ઉત્સાહમાં આવીને હિન્દી-ચીની, ભાઈ-ભાઈના નારા લગાવાયા હતા એવું નહીં થાય પણ સંબંધો ઉષ્માપૂર્ણ ચોક્કસ બનશે.

ભારત અને ચીન બંનેને એકબીજાની જરૂર છે.
ડોનાલ્ડ ટ્રમ્પના સનકીપણાના કારણે બદલાઈ રહેલાં વૈશ્વિક સમીકરણોમાં ભારત અને ચીન બંનેને એકબીજાનો સાથ જોઈએ છે. ટ્રમ્પના ટેરિફના કારણે ચીનને પણ ફટકો પડવાનો છે તેથી ચીનને પણ નવા સાથીઓ જોઈએ છે અને ભારત એ જગા લઈ શકે છે.
ભારત માટે સૌથી પહેલી પ્રાયોરિટી અમેરિકાના ટેરિફના કારણે પડનારા નુકસાનને રોકીને બેરોજગારી અટકાવવી છે. અમેરિકા અત્યાર સુધી ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર દેશ હતો. અમેરિકામાં ભારતે ૨૦૨૪માં ૯૨ અબજ ડોલરના માલની નિકાસ કરી હતી જ્યારે ભારતની આયાત ૪૩ અબજ ડોલર હતી તેથી ભારતને લગભગ ૫૦ અબજ ડોલરનો ફાયદો થયો. ટેરિફના કારણે ૨૦૨૬માં નિકાસ ૪૦ ટકા ઘટીને લગભગ ૫૦ અબજ ડોલર થઈ જશે તેથી ભારતને ૪૦ અબજ ડોલરનો ફટકો પડે પણ ફટકો ચીન સાથે વ્યાપાર વધારીને સરભર કરી શકાય તેમ છે.
અત્યારે ચીન અને ભારતના સંબંધોમાં ચીનનો હાથ ઉપર છે. ૨૦૨૪માં ભારતે ચીન પાસેથી ૧૧૪ અબજ ડોલરનો માલ ખરીદ્યો હતો પણ ચીને ભારત પાસેથી ફક્ત ૧૪ અબજ ડોલરનો માલ ખરીદતાં લગભગ ૧૦૦ અબજ ડોલરની વેપાર ખાધ છે. ચીને ભારતનો વધારે માલ ખરીદીને વ્યાપાર ખાધ ઘટાડવાની તૈયારી બતાવી છે અને ચીનની કંપનીઓ ભારતમાં રોકાણ કરવા પણ તૈયાર છે તેથી ભારતને આર્થિક રીતે ફાયદો થઈ શકે છે. ચીન અને રશિયા સાથે ધરી રચીને ભારત પોતાનાં આર્થિક હિતો પણ સાચવી શકે છે.

ચીનનો ભરોસો કરી શકાય ?
ભારત માટે આ સવાલ સૌથી મહત્વનો છે કેમ કે ભારત માટે ચીન મોટો ખતરો છે. ચીન આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમા હંમેશાં ભારત વિરોધી વલણ અપનાવે છે અને પાકિસ્તાનને સાથ આપે છે. કાશ્મીરનો મુદ્દો હોય કે આતંકવાદનો, ચીનનું વલણ ભારત વિરોધી જ રહ્યું છે.
આ સિવાય ચીન ભારતના પાડોશીઓને પોતાના પડખામાં લઈને ભારતને દબાવવા પણ મથી રહ્યું છે. ભારતના પ્રદેશ પચાવી પાડવા ચીન સમયાંતરે છમકલા કર્યા કરે છે. અરૂણાચલ પ્રદેશનો મોટો પ્રદેશ અને અક્સાઈ ચીનનો પ્રદેશ પચાવી પાડનારા ચીનની નજર હવે લડાખના વિસ્તારો પર પણ છે.
ભારતને ફટકો મારવા હિંદ મહાસાગરમાં પણ ઘૂસણખોરી કરી રહ્યું છે. હિંદ મહાસાગર ભારત માટે સુરક્ષાની રીતે તો મહત્વનું છે જ પણ આર્થિક રીતે પણ મહત્વનું છે કેમ કે ભારતનો મોટા ભાગનો વ્યાપાર હિંદ મહાસાગર મારફતે ચાલે છે. ભારતે પોતાનાં હિતો જાળવવા માટે વરસોથી હિન્દ મહાસાગરમાં પોતાનો દબદબો જાળવ્યો છે પણ છેલ્લાં થોડા વરસોથી ચીન હિન્દ મહાસાગરમાં ભારતને ઘેરવાના અને હિંદ મહાસાગર પર કબજો કરવાના પ્રયાસો કરી રહ્યું છે.
ભારતના પાડોશી દેશોમાં બંદરોના વિકાસના નામે ચીન સૈન્ય મથકો સ્થાપી રહ્યું છે. શ્રીલંકામાં હંબનટોટા બંદર, માલદીવમાં મકાઓ પોર્ટ, બાંગ્લાદેશમાં ચટગાંવ પોર્ટ અને પાકિસ્તાનમાં ગ્વાદર બંદર પર કબજો કરીને ચીન ભારતને ઘેરવાની વ્યૂહરચનામાં ઘણું આગળ વધી ગયું છે. અરબ સાગરમાં ભારતના સામે છેડે આવેલા આફ્રિકાના જિબૂતી નામના દેશમાં પણ તેણે પોતાનું લશ્કરી મથક સ્થાપ્યું છે.
ચીન આ ભારત વિરોધી વલણ છોડે એવી શક્યતા ઓછી છે. હાલ પૂરતું ચીન આક્રમક વલણ ના અપનાવે પણ કાયમ માટે શાંત થઈ જાય એવી આશા ના રાખી શકાય એ જોતાં ચીન સાથે ભારત આર્થિક સંબંધો ગાઢ બનાવે તો પણ ભારતે સતર્ક તો રહેવું જ પડે.

ચીન લુચ્ચુ અને સ્વાર્થી છે.
ચીન પણ અમેરિકાની જેમ પોતાનાં હિતો સિવાય બીજા કશા વિશે વિચારતું નથી. અત્યારે ચીન ભારતને પોતાની તરફ આકર્ષવા માટે ડ્રેગન અને એલીફન્ટ સાથે મળીને ડાન્સ કરે એવી વાતો કરે છે પણ હજુ થોડા સમય પહેલાં સુધી ચીન ભારત સાથે આભડછેટ રાખતું હતું. ભારત એક ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યું છે એ વાત ચીનને હજમ નથી થતી તેથી બે વર્ષ પહેલાં ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં નવી દિલ્લીમાં યોજાયેલા જી-૨૦ સમિટથી પણ ચીનના પ્રમુખ શી જિનપિંગ દૂર રહ્યા હતા.
યુક્રેન સાથેના યુધ્ધના કારણે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન જી-૨૦ સમિટમાં હાજર નહોતા રહ્યા પણ ચીનના પ્રમુખ શી જિનપિંગની ગેરહાજરી કઠતી હતી. અમેરિકાના પ્રમુખ જો બાઈડન, યુ.કે.ના વડાપ્રધાન ત્રષિ સુનક, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા પણ જિનપિંગે હાજરી નહોતી આપી.
જિનપિંગની ગેરહાજરી માટેનું એક માત્ર કારણ ભારતના વધતા પ્રભુત્વ અંગે ઈર્ષા છે એવી ચર્ચા એ વખતે ચાલી જ હતી. એ વખતે ભારત અને અમેરિકાના સંબંધો ગાઢ હતા જ્યારે ચીન અને અમેરિકા સામસામે આવી ચૂક્યા હતા. અમેરિકા સાથેના તણાવપૂર્ણ સંબંધોના કારણે જિનપિંગે ભારત આવવાનું ટાળેલું એવું પણ કહેવાતું હતું. કારણ ગમે તે હોય પણ જિનપિંગે ભારત આવવાનું પસંદ નહોતું કર્યું એ હકીકત છે.
હવે એ જ જિનપિંગ ભારત સાથે દોસ્તીની વાતો કરી રહ્યા છે કેમ કે અમેરિકા સાથેના તેમના સંબંધો બગડ્‌યા છે. ટ્રમ્પે ટેરિફ લાદીને પરેશાન કરવા માંડ્‌યું તેથી ચીનને આર્થિક સહકાર માટે નવા સાથીની જરૂર છે અને તોતિંગ માર્કેટ ધરાવતું ભારત આ સાથી બની શકે છે તેથી ચીન ભારતને પટાવી રહ્યું છે.

ચીન અને ભારતની સ્પર્ધાનું શું ?
છેલ્લાં કેટલાંક વરસોમાં ભારતની વિદેશ નીતિમાં ચીનનું સ્થાન લેવાની બાબત કેન્દ્રસ્થાને છે. નરેન્દ્ર મોદી દુનિયાના તાકાતવર દેશોને અહેસાસ કરાવી રહ્યા છે કે, ભારત ચીનનું સ્થાન લઈ શકે છે. કોરોનાના કારણે દુનિયામાં આર્થિક રીતે તાકાતવર ગણાતા બધા દેશોને ચીન સામે વાંધો પડી ગયો પછી ભારતે ચીનનું સ્થાન લેવા માટે બહુ પ્રયત્ન કર્યા છે. તેના ભાગરૂપે મોદીએ ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ છેડ્‌યું છે. આ અભિયાનના કારણે ચીન અને ભારત વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.
ભારત પાસે ચીનનો વિકલ્પ બનવાની બધી લાયકાત છે તેથી ઘણા દેશો ચીનને છોડીને ભારત તરફ વળવા માંડ્‌યા છે. દુનિયાના વિકસિત દેશોની કંપનીઓ ચીનમાં પોતાના પ્લાન્ટ નાખતી હતી તેનું મુખ્ય કારણ સસ્તી મજૂરી છે. વિકસિત દેશોમાં લોકો મજૂરી કરવા તૈયાર નથી. મજૂરીના રેટ પણ ઉંચા હોવાથી કંપનીઓને પરવડતા નથી. ભારતમાં સાવ સસ્તા મજૂરો મળી રહે છે. આપણો રૂપિયો ડોલર, પાઉન્ડ કે યુરો સામે સાવ સસ્તો હોવાથી અમેરિકા કે યુરોપના દેશોને જે સસ્તી મજૂરી લાગે એ પણ આપણે ત્યાં માતબર રકમ જ ગણાય છે. અત્યારે આપણે ચીન કરતાં પણ વધારે વસતી ધરાવીએ છીએ અને તેમાં યુવાનોની સંખ્યા વધારે હોવાથી મોટી કંપનીઓને જોઈએ એવા માણસો આપણે આપી શકીએ તેમ છીએ. આ કારણે એપલ સહિતની કંપનીઓ ચીનમાંથી પોતાના પ્લાન્ટ ભારતમાં ખસેડી રહી છે.
ચીન ભારતને પોતાનું હરીફ માનવા માંડ્‌યું છે પણ ટ્રમ્પના કારણે બદલાયેલાં સમીકરણોમાં આ સ્પર્ધાને બાજુ પર મૂકવી પડે. ભારત માટે અત્યારે પ્રાયોરિટી અમેરિકામાં નિકાસ બંધ થતાં થનારું આર્થિક નુકસાન રોકવું અને બેરોજગારીથી બચવું છે. ભારતના ઉદ્યોગોને ટકાવવા માટે સતત કાચો માલ પણ મળતો રહેવો જોઈએ. ચીન તેમાં મદદરૂપ થઈ શકે એ જોતાં સતર્ક રહીને પણ સંબંધો ગાઢ બનાવી શકાય છે. sanjogpurti@gmail.com