અમરેલી જિલ્લામાં બે સ્થળેથી વિદેશી દારૂ પકડાયો હતો. સાવરકુંડલાના જૂની આંબરડી ગામેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ૧૪૫ બોટલ ઝડપાઈ હતી. ભૌતિકભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ રાઠોડ (ઉ.વ. ૨૩) પાસેથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂ અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૪૫ મળી આવી હતી. પોલીસે તેની પાસેથી દારૂની બોટલો, મોબાઇલ મળી કુલ રૂ. ૨૭,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીએ આ જથ્થો સુરતમાં રહેતા મૂળ આદસંગ ગામના સુરેશભાઇ શંભુભાઇ જાદવ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી.બીજા બનાવમાં ક્રાંકચ ગામે પંચાયત પાસેથી બાઇક લઈને પસાર થતાં ત્રણ લોકોને અટકાવી તલાશી લેતાં તેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭ બોટલ મળી હતી. પોલીસે કુલ રૂ. ૧૦,૭૯૩નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દામનગરમાંથી ૫ લિટર અને રાજુલા ધોળિયા ડુંગર પાસેથી ૨ લિટર મળી કુલ ૭ લિટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. અમરેલીમાંથી બે, ધારી તથા ડુંગર ગામે રેલવે ફાટક પાસેથી એક-એક મળી કુલ ૪ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.