૧૦ થી વધુ મહિલા વિદ્યાર્થીઓએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના એક પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. યુનિવર્સિટીની આંતરિક ફરિયાદ સમિતિ આ ફરિયાદોની તપાસ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફરિયાદો લગભગ એક મહિના પહેલા દાખલ કરવામાં આવી હતી.અહેવાલ મુજબ, યુનિવર્સિટી કેમ્પસમાં રહેતા પ્રોફેસર પર કેટલાક વિદ્યાર્થીઓને તેમના ઘરે મીટિંગમાં આમંત્રણ આપવાનો અને કથિત રીતે જાતીય સતામણી કરવાનો અથવા તેમને પ્રપોઝ કરવાનો આરોપ છે. કેટલીક ફરિયાદોમાં એવો પણ આરોપ છે કે તેમણે ક્લાસ દરમિયાન વાંધાજનક અને અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રોફેસર સામે તાજેતરમાં ફરિયાદ સામે આવ્યા બાદ, કેટલીક વરિષ્ઠ મહિલા વિદ્યાર્થીઓએ પણ આગળ આવીને સમાન આરોપો લગાવ્યા.માહિતી અનુસાર,આઇસીસી હાલમાં આ ફરિયાદોની તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સમિતિ તેની તપાસનો વિસ્તાર કરશે ત્યારે વધુ ફરિયાદો બહાર આવી શકે છે.જેએનયુની આંતરિક ફરિયાદ સમિતિ, જે આ મામલાની તપાસ કરી રહી છે, તેણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. સમિતિએ જણાવ્યું છે કે આ એક આંતરિક મામલો છે અને હાલમાં તેની તપાસ ચાલી રહી છે. જેએનયુના કુલપતિ શાંતિશ્રી ધુલીપુરી પંડિતે જણાવ્યું હતું કે આઇસીસી જાતીય સતામણીની ફરિયાદો પર કાર્યવાહી કરે છે, અને કુલપતિ આ સમિતિના સભ્ય નથી.આરોપોનો સામનો કરી રહેલા પ્રોફેસરે જણાવ્યું હતું કે તેઓ આવી કોઈ ફરિયાદથી અજાણ હતા. તેમણે તેમની સામેના આરોપોને ખોટા ગણાવ્યા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આઇસીસી સમક્ષ હાજર થયા છે કે તેમનું નિવેદન નોંધ્યું છે, ત્યારે પ્રોફેસરે કહ્યું કે તેઓ કોઈ ફરિયાદથી અજાણ હતા.