સોશિયલ મીડિયાના માધ્યમથી પશુ વેચાણની જાહેરાત મૂકનારા પશુપાલક ઠગબાજોની જાળમાં ફસાયા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. લીલીયા તાલુકાના ક્રાંકચ ગામના પશુપાલકે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી ભેંસ વેચાણની જાહેરાતના આધારે બે ગઠિયાઓએ ભેંસ ખરીદી લીધા બાદ રૂ. ૬૬ હજાર ન ચૂકવી છેતરપિંડી આચરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.આ અંગે ક્રાંકચ ગામના પશુપાલક કરણભાઇ ચંપુભાઇ માલા (ઉ.વ.૨૨)એ વેજાભાઇ હરણ (રહે. જૂનાગઢ) તથા ભાવેશભાઇ ભારાઇ (રહે. માડાસણ, તા. જામજોધપુર) સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, કરણભાઈએ ગત ૨૪ જુલાઈના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ભેંસ વેચવા અંગેની જાહેરાત સાથે પોતાનો મોબાઈલ નંબર મૂક્યો હતો. આ જાહેરાત જોઈને એક શખ્સે ફોન કરી ભેંસ ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી. બંને વચ્ચે રૂ. ૧,૨૧,૦૦૦માં સોદો નક્કી થયો હતો અને ખરીદનારે ભેંસ જૂનાગઢ ખાતે મોકલી આપવા જણાવ્યું હતું.બીજા દિવસે પશુપાલકે વાહન ભાડે કરી ભેંસને જૂનાગઢ ખાતે જણાવેલા સરનામે મોકલી આપી હતી. જોકે, ત્યાં ખરીદનાર હાજર ન હતો અને પોતે હોસ્પિટલના કામે બહાર હોવાનું જણાવી પોતાના એક સંબંધી મારફતે ભેંસ મકાને ઉતરાવી લીધી હતી. તે સમયે સંબંધીએ માત્ર રૂ. ૧૫,૦૦૦ આપ્યા હતા, જેમાંથી રૂ. ૫,૦૦૦ વાહન ભાડા પેટે ચૂકવાયા હતા. બાકી નીકળતા રૂ. ૧,૧૧,૦૦૦ અંગે મુખ્ય ખરીદનારે વાયદાઓ કરી પાછળથી રૂ. ૪૫,૦૦૦ ચૂકવ્યા હતા.આમ, કુલ રૂ. ૧,૨૧,૦૦૦ની કિંમત સામે માત્ર રૂ. ૫૫,૦૦૦ જ ચૂકવી, બાકી નીકળતા રૂ. ૬૬,૦૦૦ માટે બંને શખ્સો વાયદા કરતા રહ્યા હતા. આખરે બાકી રકમ માટે સંપર્ક કરતાં બંને શખ્સોના મોબાઈલ ફોન સ્વિચ આૅફ આવવા લાગ્યા હતા. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં પશુપાલકે બંને શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મધુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.









































