અમરેલીમાં સોનીકામ કરતા એક વેપારીને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાના સોનાના દાગીના ઓળવી જવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરે પત્નીને દાગીના બતાવવાના બહાને સોનીની દુકાનેથી રૂ. ૧૨.૮૮ લાખની કિંમતના સોનાના દાગીના લઈ જઈ પરત ન કરી એક શખ્સે છેતરપિંડી આચરી હતી.આ અંગે સોનીકામ કરતા જયદીપભાઈ વિનુભાઈ ખુંટ (ઉં.વ.૩૧)એ કુમારભાઈ પંડ્યા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ૨૭ માર્ચના રોજ બપોર બાદ આશરે સાડા ચારેક વાગ્યે આરોપી અમરેલીમાં આવેલી તેમની દુકાને આવ્યો હતો. ત્યાં જઈ તેણે પોતાની પત્નીને ઘરે દાગીના બતાવવા છે તેમ કહી વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો.ત્યારબાદ તે દુકાનમાંથી મંગળસૂત્ર, સોનાની ચેઈન અને પેન્ડન્ટ મળી કુલ ૮૬ ગ્રામ ૦૫૦ મિલિ વજન ધરાવતા અંદાજે રૂ. ૧૨,૮૮,૧૬૬ની કિંમતના સોનાના દાગીના લઈ ગયો હતો. લાંબો સમય વીતી જવા છતાં આરોપી દાગીના કે તેના નાણાં પરત આપવા ન આવતાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો, જેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.ડી. કુવાડિયા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.









































