બગસરાના પૌરાણિક પીપળેશ્વર મહાદેવ મંદિરના તૃતીય જીર્ણોદ્ધાર નિમિત્તે તા. ૨૪થી ૨૬ ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય મહોત્સવ યોજાયો હતો.ગુણવંતભાઈ જોશી, વિનુભાઈ ભરખડા, પ્રભુભાઈ ભરખડા, મુંબઈવાળા મુખ્ય યજમાન સુરેશભાઈ રાયઠઠા તથા વિનોદભાઈ ગોરધનદાસ ભરખડા પરિવાર અને લોકફાળાના સહયોગથી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી કિશનભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા મહોત્સવમાં છ કુંડી યજ્ઞમાં આશરે ૪૦ દંપતીએ આહુતિ આપી હતી. પ્રથમ દિવસે જલયાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બીજા દિવસે બટુક ભોજન તથા પંખીઘર સત્સંગ મંડળ દ્વારા સુંદરકાંડના પાઠ યોજાયા હતા. ત્રીજા દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સમસ્ત બ્રહ્મ સમાજ વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. મહોત્સવને સફળ બનાવવા સમાજના વડીલો, યુવાનો, બહેનો તથા ધર્મપ્રેમી લોકોએ સેવા આપી હતી.








































