સાવરકુંડલા શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. શહેરમાં ગંદા પાણીના વૈજ્ઞાનિક શુધ્ધિકરણ અને નગરજનોને શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે હેતુથી કુલ આશરે રૂ.૩૮.૫૫ કરોડના વિકાસ પ્રોજેક્ટનું આગામી દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે લોકાર્પણ યોજાશે. પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ઉપસ્થિત રહેશે. રૂ.૨૮ કરોડના ખર્ચે ગંદા પાણીના શુધ્ધિકરણ માટે આધુનિક STP તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે અમૃત ૨.૦ યોજના હેઠળ રૂ.૧૦.૫૫ કરોડના ખર્ચે ૧૭MLD ક્ષમતાનો WTP, સંપ અને ESR સહિતની પાણી પુરવઠા સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ બંને પ્રોજેક્ટથી શહેરની સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને પાણી પુરવઠા વ્યવસ્થાને નવી ગતિ મળશે.









































