રાજુલાના ભચાદર ગામની સીમમાં ખેતરમાં ચાલવાના રસ્તાના વિવાદમાં એક યુવક પર કુહાડા વડે હુમલો કરવામાં આવ્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે ભેરાઈ ગામના બાબુભાઈ હરસુરભાઈ રામ (ઉં.વ.૩૨)એ તેમના જ ગામના દેસુરભાઇ દડુભાઇ રામ, શિવાભાઇ જંડુરભાઇ રામ, લાલાભાઇ લખમણભાઇ રામ, મંગાભાઇ રાણીંગભાઇ વાઘ, બીજલભાઇ કથડભાઇ વાઘ તથા રામપરા-૨ ગામના એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, બાબુભાઈને દેસુરભાઈ, શિવાભાઈ અને લાલાભાઈ સાથે ખેતરમાં ચાલવાના રસ્તા બાબતે વિવાદ ચાલતો હતો અને આ અંગે કોર્ટમાં કેસ પણ પેન્ડિંગ છે. આ બાબતનું મનદુઃખ રાખી દેસુરભાઈએ બાબુભાઈના જમણા પગના નળાના ભાગે કુહાડો મારી લોહી કાઢ્યું હતું. તેમજ શિવાભાઈ અને લાલાભાઈએ લોખંડની પાઇપ વડે શરીરે આડેધડ માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી ગાળો આપી હતી.દરમિયાન મંગાભાઈ, બીજલભાઈ તથા એક અજાણ્યો ઇસમ પાછળથી ફોરવ્હીલ કારમાં આવ્યા હતા અને તેમણે પણ શરીરે આડેધડ માર મારી મૂંઢ ઇજા કરી ગાળો આપી હતી. તેમજ બાબુભાઈ અને તેમના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ આ અંગે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ. એલ. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.











































