(૧)અક્કલને અને ભેંસને શું લાગેવળગે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
અક્કલને એમ છે કે હું ભેંસ કરતાં મોટી છું. ભેંસને એમ છે કે હું અક્કલ કરતાં મોટી છું. નિર્ણય માણસ પર છોડવામાં આવ્યો છે.
(૨)નામ તેનો નાશ છે પણ જો નામ જ ના પાડીએ તો?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર), આધારકાર્ડવાળા ખીજાય!
(૩)દવાની ટીકડી વચ્ચે કેમ લીટી કરવામાં આવતી હશે?
ચાંદની મયંક ધાનાણી (અમદાવાદ)
એમ નથી. લીટીની આજુબાજુ ટીકડી કરવામાં આવે છે.
(૪)પ્રભુને ચડાવેલ પ્રસાદ વહેંચવામાં આવે છે; તો પ્રભુને ચડાવેલ પૈસા કેમ વહેચાતા નથી ? , કનુભાઈ પરમાર (દામનગર)
પૈસા ખાવાના બીજા ઘણા ઠેકાણા છે એટલે.
(૫)આ બધી ઉપાધિઓમાંથી બહાર કેમ નીકળવું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
બહાર પણ ઉપાધિ જ છે. અંદર બેઠા રહો.
(૬)જમીનથી ભારે શું છે?,
હરેશભાઈ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
હમણાં મારા ત્રાજવા ખોટવાઈ ગયા છે. તમે બાજુની કરિયાણાની દુકાને જઈને જોખાવી લોને!
(૭)એક જ તાકાના બે પીસમાંથી એકમાં (પત્ની) આપણે છેતરપિંડી થયાની ફરિયાદ કરીએ અને બીજો પીસ (સાળી)પ્રિય લાગે એવું કેમ?
મહેશ ઉપાધ્યાય (વડોદરા)
એવું એમ.
(૮)પ્રેમ તથા કાનૂન બંન્નેને આંધળા શા માટે કહેવાય છે?
યોગેશભાઈ આર જોશી (હાલોલ જિ.પંચમહાલ)
પેલા એ ચોખવટ કરો કે તમે આ બન્નેમાંથી શેમાં ફસાયા છો?!
(૯)થિયેટરમાં પેપ્સીને પોપકોર્ન જ કેમ‌ મળે છે? ગાંઠિયા કેમ મળતા નથી?
ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલ (મધવાસ મહીસાગર)
એકવખત હીરો ગુંડા પાછળ દોડવાનું પડતું મૂકી ને ગાંઠિયા ખાવા માંડ્‌યો હતો એટલે હવે થિયેટરમાં ગાંઠિયા બંધ કર્યા છે.
(૧૦)પ્રેમમાં પાગલ થવા માટે કયો કોર્સ કરવો જોઈએ?
નિધી પાંડોર લરાહી (અરવલ્લી)
આમાં તમે એ નથી કહ્યું કે કોના પ્રેમમાં પાગલ થવું છે?- માબાપના? ભાઈ બહેનના? પરિવારના? દેશના?!
(૧૧)મન ભરીને કેમ જીવાય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
જીવ્યા કરો એટલે મન જાતે જ ભરાઈ જાશે.
(૧૨)સાહેબ! દારૂ શું શું કરાવે?
ધોરાજીયા ઘનશ્યામ એન.(સાજણટીંબા)
પીતા હોય આ પ્રશ્નનો જવાબ સારી રીતે આપી શકશે.
(૧૩)બા અને મા વચ્ચે ફરકનું વિવરણ આપશોજી.
બાલુભાઈ કિકાણી (લીલિયા)
બા અને મા વચ્ચેનો ફરક બતાવવાવાળા આપણે કોણ? હા એટલી ખબર છે કે બ-ને કાનો બા થાય અને મ-ને કાનો મા થાય.
(૧૪)વળ ખાય એને વળવાંગડુ કહેવાય તો બીજાને શું કહેવાય?
ધોરાજીયા ચંદ્રકાંત એન (સાજણટીંબા)
બીજું વળવાંગડું!
(૧૫)વરસાદ ઇંચમાં પડે છે પણ પાણી ફૂટમાં કેમ મપાય છે?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ફૂટપટિયું છોકરાવના દફતરમાં મળી જાય. ઇંચપટિયુ ક્યાં ગોતવા જવી?
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..