શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચર્ચિત ‘મનપસંદ જીમખાના’ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) ની ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડાના મામલે રાજ્યના પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસની બેદરકારી અને નિસ્ક્રિયતા સામે આવતા દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત બે પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગત ૨ ઓગસ્ટની રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ક્લબમાં ચાલી રહેલા એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં જીસ્ઝ્ર એ સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં ૧૮૭ જેટલા જુગારીઓને રૂમ અને મસમોટા મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
દરિયાપુર પોલીસ સ્ટેશનની હદમાં આટલું મોટું જુગારધામ ધમધમતું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહેતા, પોલીસ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા આ મામલે કડક વલણ અપનાવીને દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જી.વી. ગોહિલ, દરિયાપુર પોલીસ સ્ટેશનના ચોકી પીએસઆઇ અને દરિયાપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડ ડી-સ્ટાફ પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવી છે.
આ ત્રણેય અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી બાદ દરિયાપુર પોલીસ સ્ટેશનનું કામકાજ અટકે નહીં તે માટે તાત્કાલિક અસરથી શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને દરિયાપુર પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.એસએમસીના દરોડા બાદ રાજ્ય પોલીસ પ્રમુખની આ કડક કાર્યવાહીથી સ્થાનિક પોલીસ બેડામાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. –










































