દસક્રોઈ તાલુકાના ધામતવાળ ગામની બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં ખાતેદારોના નાણાં સરકારી ચોપડે જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં વાપરી નાખવાના ૧૮ વર્ષ જૂના ઉચાપતના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મહ¥વનો ચુકાદો આપ્યો છે. અદાલતે ધામતવાળના તત્કાલીન બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પુનમભાઈ સાકાભાઈ પ્રજાપતિને ગુનાહિત વિશ્વાસઘાત માટે દોષિત ઠેરવી ૩ વર્ષની સાદી કેદ અને રૂ. ૫૦૦ના દંડની સજા ફટકારી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી પુનમભાઈ પ્રજાપતિ ૨૮ ડિસેમ્બર ૨૦૦૪થી ૨૦ એપ્રિલ ૨૦૦૭ દરમિયાન ધામતવાળ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે ગામના ખાતેદારો પાસેથી રિકરિંગ ડિપોઝિટ અને પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સના માસિક હપ્તા સ્વીકાર્યા હતા. આરોપીએ ખાતેદારોની પાસબુકમાં રકમ જમા થયાની નોંધ કરી, સિક્કો મારી સહી પણ કરી આપી હતી. પરંતુ, આ રકમ સત્તાવાર હિસાબી ચોપડામાં જમા કરાવી નહોતી.
પોસ્ટ વિભાગના આંતરિક ચેકિંગ દરમિયાન આ ગેરરીતિ સામે આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ અજયકુમાર પાંડે, સુમિત્રાબેન પટેલ અને લક્ષ્મણભાઈ ચમાર સહિતના ખાતેદારો પાસેથી વસૂલેલા કુલ રૂ. ૧૧,૪૦૭ સરકારી ખાતામાં જમા કરવાને બદલે અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. આ મામલે ગાંધીનગર ડિવિઝનના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટના આદેશથી ૧૩ જૂન ૨૦૦૭ના રોજ કણભા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૪૦૯ હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી.કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એમ.એસ. શેખે ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કરતા દલીલ કરી હતી કે, સરકારી કર્મચારી દ્વારા નાણાંનો ગુનાહિત વિશ્વાસઘાત કરવો એ ગંભીર ગુનો છે, તેથી ખાતેદારોને નાણાં પરત મળી ગયા હોવા છતાં સજામાં કોઈ રાહત આપી શકાય નહીં. તમામ પુરાવાઓ ધ્યાને લઈ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જજ ડો. પી.કે. પંડ્યાએ આરોપીને દોષિત ઠેરવી ૩ વર્ષની કેદ અને ૫૦૦ના દંડનો હુકમ કર્યો હતો અને દંડ ન ભરે તો વધુ ૩૦ દિવસની કેદનો હુકમ ફરમાવ્યો હતો.








































