અમરેલી જિલ્લામાં તા. ૧૫ ઓગસ્ટે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ સુધી અમલી રહેશે. જાહેરનામા મુજબ શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ તથા ઇજા પહોંચાડી શકાય તેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. વિસ્ફોટક પદાર્થો લઈ જવા તેમજ ઉશ્કેરણીજનક ભાષણ, ચાળા, ચિત્રો કે નિશાનીઓ પ્રદર્શિત કરવા પર પણ મનાઈ રહેશે. પૂર્વ મંજૂરી વગર સભા, મંડળી કે સરઘસ કાઢી શકાશે નહીં. લાઉડ સ્પીકર માટે પણ તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી રહેશે. ફરજ પરના પોલીસ, હોમગાર્ડ, સરકારી કર્મચારીઓ, અશક્ત વ્યક્તિઓ તથા વરઘોડા અને સ્મશાન યાત્રાને આ હુકમ લાગુ નહીં પડે. ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.