અમરેલી જિલ્લામાં આ વર્ષે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. . જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યકક્ષાની ઉજવણી અંગેની વિગતવાર માહિતી જાહેર કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ઉજવણીને લઈને ઝીણવટભરી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તમામ વિભાગોનું સંકલન કરવામાં આવ્યું છે.સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત કુલ ચાર મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એટ હોમ કાર્યક્રમ,
સાંસ્કૃતિક કાર્યક્રમ, ધ્વજવંદન સમારોહ અને શસ્ત્ર પ્રદર્શનનો સમાવેશ થાય છે. એટ હોમ કાર્યક્રમ ૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. રાજ્યપાલના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. એટ હોમ કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ, અગ્રણી નાગરિકો, પદ્મ એવોર્ડ વિજેતાઓ, શહીદ પરિવારજનો અને પ્રાકૃતિક ખેતી કરતી વિશિષ્ટ મહિલાઓ સહિત ૫૦૦થી વધુ આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ ગીત, રાજ્યપાલનું ઉદ્બોધન અને અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત બાદ હાઈ-ટીનું આયોજન કરાયું છે. કાર્યક્રમનો સમયગાળો આશરે ૭૫ મિનિટનો રહેશે. ૫૫૦ વાહનોની ક્ષમતા સાથે ત્રણ ર્પાકિંગ સ્થળ તૈયાર કરાયા છે તેમજ બે મેડિકલ ટીમ અને બે એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમ ૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૬ઃ૩૦ કલાકે ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલી કોફી ટેબલ બુક અને જિલ્લા પરિચય પુસ્તિકાનું વિમોચન પણ કરાશે. મુખ્યમંત્રી દ્વારા વિવિધ વિભાગોની વિકાસલક્ષી યોજનાઓનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારબાદ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ૬૦ મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૧૦૦૦ આમંત્રિત આગેવાનો ઉપરાંત અંદાજે ૫૦૦૦ જેટલી જાહેર જનતા ઉપસ્થિત રહેવાની ધારણા છે. જેના માટે કુલ ૧૧ પાર્કિંગ સ્થળનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫ ઓગસ્ટના રોજ સવારે ૮ઃ૫૫ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જ્યારે સમર્થ વ્યાયામ મંદિરના અખાડા ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૩ ઓગષ્ટે સવારે ૧૦ઃ૩૦ કલાકે પોલીસ પરેડ મેદાનથી તિરંગા યાત્રા અને સાંજે ૮ઃ૩૦ કલાકે લોકડાયરો યોજાશે
દેશભક્તિ અને લોકસાહિત્યના અનોખા સંગમના સાક્ષી બનવા જિલ્લાવાસીઓને કલેકટરનું ભાવભર્યું આમંત્રણ
સાંસ્કૃતિક કાર્યક્રમ ૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૬ઃ૩૦ કલાકે ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે
જિલ્લાની તમામ સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠશે, જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહનો માહોલ








































