બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલી શ્રીજી ઓઈલ મીલની સામે આજે બુધવારે ખેડૂતો-ખાતેદારોની એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાઈવેટ કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહેલી હાઈ વોલ્ટેજ વીજ લાઈનના પ્રશ્ને આગળની રણનીતિ અને ચર્ચા-વિચારણા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. આ મીટિંગમાં કોટડાપીઠા સહિત આસપાસના જંગવડ, વાવડા, ખાનપર, કલોરાણા, ઉંટવડ, કરણકી, ગુંદાળા, જસાપર, પાંચવડા, જીવાપર, પાનસડા, રાયપર, ગરણી, ગોખલાણા અને નવાણીયા જેવા વિવિધ ગામોના ખેડૂતો જોડાશે. આ ઉપરાંત, આ બેઠકમાં મોરબીના જેતપર ખાતે આવેલી ‘સત્યાગ્રહ છાવણી સમિતિ’ના ખાસ મહેમાનો પણ વિશેષ ઉપસ્થિત રહેશે.




































