મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ. જોષી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. એસ.બી. સતાણી તથા મેડિકલ ઓફિસર મોટા આંકડીયા ડો. મીતાલીબા જાડેજા અને ડો. કીર્તિ મેડમના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર વડેરા ખાતે રાષ્ટ્રીય કૃમિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન વડેરા અને રંગપુર ગામની શાળાએ જતા, આંગણવાડીમાં જતા તેમજ વાડી વિસ્તારમાં રહેતા ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને ઉંમર પ્રમાણે આલ્બેન્ડાઝોલની ટેબ્લેટનો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમજ ૬ માસથી ૫ વર્ષ સુધીના બાળકોને ઉંમર પ્રમાણે વિટામીન-એનો ડોઝ આપવામાં આવ્યો હતો. ધોરણ ૮ના વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ ગૃહકાર્ય રિપોર્ટના કાર્ડ આપી માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કેન્દ્રના સ્થાનિક સ્ટાફ, શાળાના શિક્ષકો તથા આંગણવાડી બહેનોએ જહેમત ઉઠાવી હતી.









































