બગસરા ખાતે પ્રિન્સ ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવી શાક માર્કેટ સ્થિત ટાઉનહોલમાં તા. ૬ ઓગસ્ટના રોજ ‘પ્રથમ પ્રિન્સ લોકકલા સન્માન સમારોહ-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. પ્રિન્સની સ્મૃતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કલાપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા લોકગાયક અને રાવણહથ્થાના વાદક ભરત બારોટને ‘પ્રથમ પ્રિન્સ લોકકલા સન્માન-૨૦૨૬’ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન અમરેલીના આદિનાથ મહાદેવના મહંત ૧૦૮ ઉમેશાનંદગીરીબાપુના હસ્તે થયું હતું. ભજનાનંદી પાલુભાઈ ગઢવી સહિત સાહિત્ય અને કલા જગતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોકકલાને જીવંત રાખવાના પ્રયાસોની સૌએ પ્રશંસા કરી હતી. કાર્યક્રમનું સંચાલન હાર્દિકભાઈ બાવીસીએ કર્યું હતું.








































