સાવરકુંડલાના વંડા ગામમાં રહેતા એક રત્નકલાકારને આંગણવાડીની સરકારી સહાય અપાવવાની લાલચ આપી નાણાં પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો હતો. બનાવ અંગે હીરા ઘસવાનું કામ કરતા નિકુંજભાઈ વિનુભાઈ સોલંકી (ઉ.વ.૩૦)એ જણાવ્યા મુજબ, અજાણ્યા શખ્સે તેમને કાલ કર્યો હતો. કાલ કરનારે પોતે આંગણવાડીની મુખ્ય ઓફિસમાંથી બોલે છે તેવી ખોટી ઓળખ આપી હતી. તેણે ફરિયાદીને વિશ્વાસમાં લઈને જણાવ્યું હતું કે, તેમની પત્નીને સગર્ભાવસ્થા/પ્રસૂતિના સમયગાળા દરમિયાન સરકાર તરફથી પોષણક્ષમ આહાર માટે રૂ. ૧૨,૦૦૦ ની સહાય મળવાપાત્ર છે. આ ખોટી લાલચ આપીને ભેજાબાજે ફરિયાદી પાસે ઓનલાઈન પ્રક્રિયાના નામે કુલ રૂ. ૭,૧૯૮ ની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. ત્યારબાદ આ રકમનો ઉપયોગ કોઈ અજાણી વ્યક્તિના મોબાઈલ રિચાર્જ કરવા માટે કરવામાં આવ્યો હતો. વંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. પી.જે.રામાણી વધુ તપાસ કરી રહ્યા છે.