અમરેલી રેલવે સ્ટેશન ખાતે આવેલું જૂનું બિલ્ડિંગ નવા પ્લેટફોર્મ અને અન્ય સુવિધાઓના નિર્માણમાં અડચણરૂપ બન્યું છે. આ બિલ્ડિંગ તોડી પાડવા સામે કેટલાક લોકો દ્વારા વિરોધ અને તેને યથાવત રાખવાની માગણી કરવામાં આવતી હોવાથી લાંબા સમયથી આ મુદ્દે કોઈ નક્કર નિર્ણય લેવાયો નહોતો. હવે રેલવે દ્વારા બિલ્ડિંગને સંપૂર્ણ દૂર કરવાના બદલે અડચણરૂપ ભાગમાંથી માત્ર ૪ મીટર જેટલો ભાગ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ કાર્યવાહી બાદ પણ અંદાજે ૨ મીટર જેટલો ભાગ નડતરરૂપ રહે તેમ હોવાથી રેલવેની આ નીતિ સામે સવાલ ઊઠી રહ્યા છે. રેલવેના નિયમ મુજબ રેલવે પાટાથી ૬.૫ મીટર સુધીના અંતરમાં અન્ય કોઈ બાંધકામ ન હોવું જોઈએ. અમરેલી રેલવે સ્ટેશનનું જૂનું બિલ્ડિંગ પાટાની અત્યંત નજીક આવેલું હોવાથી નવા પ્લેટફોર્મ સહિતની કામગીરીમાં તે અડચણરૂપ છે. બિલ્ડિંગ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી ટ્રેનના સંચાલન માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે તેમ હોવાનું જાણવા મળે છે. બીજી તરફ નવા રેલવે ટ્રેકનું લેવલ એટલું ઊંચું કરવામાં આવ્યું છે કે તે જૂના બિલ્ડિંગની છતના સ્તર સુધી પહોંચી ગયું છે. પરિણામે જૂના બિલ્ડિંગનો વ્યવહારિક ઉપયોગ પણ થઈ શકે તેવી સ્થિતિ રહી નથી. મુસાફરોની અવરજવર માટે રેલવે સ્ટેશન ખાતે અંડરપાસ બનાવવાનું આયોજન છે અને તેની સીડી પણ જૂનું બિલ્ડિંગ દૂર કરવામાં આવે તો તે જગ્યાએ જ બનાવી શકાય તેમ છે. આ તમામ સ્થિતિ વચ્ચે રેલવે તંત્રએ જૂના બિલ્ડિંગને સંપૂર્ણ તોડી પાડવાને બદલે હાલમાં અડચણરૂપ ભાગમાંથી ૪ મીટર જેટલો હિસ્સો દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ કામગીરીમાં ઓસરીનો ભાગ તોડી પાડવામાં આવશે, જ્યારે રૂમનો ભાગ યથાવત રાખવામાં આવશે. પરંતુ આટલું કર્યા બાદ પણ અંદાજે ૨ મીટર જેટલો ભાગ રેલવેની કામગીરીમાં નડતરરૂપ રહેતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ એ ઊઠી રહ્યો છે કે જો રેલવેના નિયમ મુજબ પાટાથી ૬.૫ મીટર સુધી બાંધકામ રાખી શકાય તેમ નથી અને જૂના બિલ્ડિંગનો ઉપયોગ પણ શક્ય રહ્યો નથી,
ઉપરાંત અંડરપાસની સીડી માટે પણ આ જગ્યા જરૂરી છે, તો પછી બિલ્ડિંગનો માત્ર ૪ મીટર ભાગ તોડીને બાકીનો ભાગ યથાવત રાખવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે? રેલવેની આવી ઢીલી નીતિના કારણે ભવિષ્યમાં ફરીથી બાંધકામ તોડવાની કે યોજનામાં ફેરફાર કરવાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા વચ્ચે આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.