આકાશમાં એક નાનું-નાનું, ગોળમટોળ અને પોચું-પોચું વાદળિયું રહેતું હતું. એનું નામ હતું ભૂરૂં.
ભૂરૂં વાદળિયું બહુ રમતિયાળ હતું. એ આખો દિવસ આકાશમાં આમતેમ દોડે, પવનભાઈ સાથે સંતાકૂકડી રમે અને ક્યારેક સૂરજદાદાની આગળ આવીને છૂપાઈ પણ જાય. પણ ભૂરું ભારે રિસામણું! ઘડીકમાં રિસાઈ જાય! વારેઘડીએ નાની નાની વાતમાં રિસાઈ જતું!
એક દિવસ સવાર-સવારમાં તેને ભૂખ લાગી. એણે નીચે જમીન તરફ જોયું. નીચે ઝાડ પર સરસ મજાનાં લાલ-લાલ સફરજન લટકતાં હતાં. ભૂરાને થયું, “અરે વાહ! મને તો બહુ ભૂખ લાગી છે. આ લાલ લાલ સફરજન કેટલાં સરસ છે! લાવ, નીચે જઈને સફરજન ખાઈ જ લઉં!”
એ તો હવામાં તરતું તરતું નીચે જવા લાગ્યું. પણ રસ્તામાં પવનભાઈ આવ્યા – ‘સૂસૂસૂઉં… સૂસૂસૂઉં…’ પવનભાઈના જોરદાર પવનથી ભૂરૂં ઊડીને પાછું ઊંચે આકાશમાં જતું રહ્યું!
બસ એ તો ગાલ ફૂલાવીને બેસી ગયું. એનું મોઢું એકદમ બગડી ગયું અને આકાશના એક ખૂણામાં જઈને કાળું-કાળું થઈને બેસી ગયું. એણે મનમાં નક્કી કરી લીધું, ‘હવે હું કોઈનીય સાથે વાત નહીં કરું અને વરસાદ બનીને નીચે પણ નહીં વરસું!’
થોડી વાર થઈ એટલે સૂરજદાદા ચમકતા ચમકતા આવ્યા. એમણે જોયું કે ભૂરૂં તો મોઢું ચઢાવીને બેઠું છે. સૂરજદાદાએ હેતથી પૂછ્યું, “એય ભૂરા! તું કેમ ખૂણામાં મોઢું બગાડીને બેઠો છે? ચાલ, રમવા આવ! જો તો ખરો! નીચે ખેતરમાં નાનાં-નાનાં બાળકો તારી રાહ જુએ છે!”
વાદળિયું મોઢું બીજી તરફ ફેરવીને બોલ્યું, “ના રે ના! હું નથી આવવાનો! કોઈ મારી વાત જ ક્યાં માને છે! આ જુઓને પવનભાઈએ મને સફરજન ના ખાવા દીધું! મને ખેંચીને પાછા આકાશમાં લઈ આવ્યા. મને પહેલાં ઠંડો-ઠંડો આઈસ્ક્રીમ આપો, તો જ હું વરસીશ, નહિતર હું અહીં જ બેસી રહીશ!”
આ સાંભળીને સૂરજદાદાને બહુ હસવું આવ્યું. સૂરજદાદા કહે, “અરે વાદળિયા! વાદળાં કઈં આઈસ્ક્રીમ ખાતાં હશે!” પણ વાદળિયું પોતાની વાતમાં અડગ હતું. એણે તો આંખો બંધ કરી દીધી.
હવે સૂરજદાદાએ એક યુક્તિ વિચારી. સૂરજદાદા વાદળીયાની એકદમ નજીક ગયા. એમણે પોતાના નરમ-નરમ અને ગરમ-ગરમ કિરણો બહાર કાઢ્યા. અને પછી એ કિરણો વડે વાદળિયાના પોચા-પોચા પેટ પર ગલીપચી કરવા લાગ્યા!
સૂરજદાદાએ તો ગલીપચી ચાલુ જ રાખી – ‘ટીચુક… ટીચુક… ટીચુક!’
વાદળિયાથી રહેવાયું નહીં. એણે પોતાની આંખો ખોલી દીધી. એનું મોઢું હસવા માટે ખૂલી ગયું. એ તો મોટે મોટેથી હસવા લાગ્યું – “હી-હી-હી… હાહાહા… અરે સૂરજદાદા, ઊભા રહો! મને બહુ ગલીપચી થાય છે! હી-હી-હીપ હાહાહાપ”
પણ સૂરજદાદા રોકાયા જ નહીં. વાદળિયું તો હસી-હસીને લોટપોટ થઈ ગયું. ગલીપચી એટલી બધી વધી ગઈ કે એના નાકમાં સળવળાટ થયો – “અં… અં… અંપ”
સૂરજદાદા બોલ્યા, “અરે! આ તને શું થાય છે?”
અને વાદળીયાએ મોટી છીંક ખાધી – ‘હાકપ છીંછીંછીંપ!’
જેવી એણે છીંક ખાધી એના ફૂલેલા ગાલમાંથી સરરરર કરતી હવા નીકળી ગઈ! અને એના પેટમાં ભરેલું પાણી ટપક-ટપક કરતું નીચે ટપકવા લાગ્યું – ‘ટપ… ટપ… ટપ… છમ… છમ… છમ!’ જોતજોતામાં સરસ મજાનો વરસાદ શરૂ થઈ ગયો!
નીચે જમીન પર ઊભેલા મોરભાઈ ખુશ થઈને પાંખો ફેલાવી નાચવા લાગ્યા – ‘ટેહૂંક… ટેહૂંકપ’
ખાબોચિયામાં બેઠેલા દેડકાભાઈ ડ્રાઉં-ડ્રાઉં કરીને કૂદવા લાગ્યા – ‘ડ્રાઉં… ડ્રાઉં… વાહ! કેવો મજાનો વરસાદ!’
ભૂરૂં વાદળિયું પણ પોતાનું રિસાવવાનું ભૂલી ગયું. એ તો ખુશ થઈને આકાશમાં નાચવા કરવા લાગ્યું!
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭







































