બગસરામાં આવેલી એ.એન.એમ. ડિગ્રી સરકારી નર્સિંગ સ્કૂલના હોસ્ટેલમાં રહેતી ૩૪ વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ગત ૨૨મી તારીખે રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વોએ હોસ્ટેલ પર પથ્થરમારો કરતાં વિદ્યાર્થીનીઓમાં ભારે ભય અને ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં આજે મોટી સંખ્યામાં વાલીઓ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા અને આચાર્ય તેમજ શિક્ષકો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. વાલીઓના જણાવ્યા મુજબ આચાર્યએ સાંજે પાંચ વાગ્યા પછી વિદ્યાર્થીનીઓની જવાબદારી પોતાની નથી તેમ જણાવતા રોષ વધુ ભભૂકી ઉઠ્‌યો હતો.હાલ હોસ્ટેલમાં મહિલા વોર્ડનની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે અને તેનો ચાર્જ કોની પાસે છે તે અંગે પણ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. રાત્રિના સમયે સ્ટાફ હાજર ન રહેતો હોવાથી વિદ્યાર્થીનીઓ એકલી રહેવા મજબૂર બનતી હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત જ્યાં વિદ્યાર્થીનીઓ રહે છે તે હોસ્ટેલમાં પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે.
શિક્ષણ માટે ઉપયોગમાં લેવાતી ઇમારત પણ જર્જરિત હાલતમાં હોવાનું જણાવાયું છે. વાલીઓએ સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક હસ્તક્ષેપ કરી હોસ્ટેલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા, મહિલા વોર્ડનની નિમણૂક અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જવાબદાર તંત્ર અસરકારક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.