જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં છેલ્લા બે મહિનાથી સિંહોની રહેણાંક વિસ્તારમાં સતત અવરજવર વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામમાં પશુઓના મારણની ઘટનાઓમાં વધારો થતાં માનવજીવનની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટે વન વિભાગને રજૂઆત કરી ગામમાં ૨૪ કલાક દેખરેખ, અનુભવી ટ્રેકરો અને પૂરતા વનકર્મીઓની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ કરી છે. ઉપરાંત નિયમિત પેટ્રોલિંગ, રેસ્ક્યૂ ટીમ, સિંહોની હિલચાલ અંગે સમયસર માહિતી, પશુઓના મારણમાં ઝડપથી વળતર ચુકવવા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને કાયમી ઉકેલ લાવવાની પણ અપીલ કરવામાં આવી છે.