શહેરમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદ બાદ બોપલ વિસ્તારની કેટલોક રહેણાંક વિસ્તાર હજુ પણ જળબંબાકાર સ્થિતિમાંથી બહાર આવ્યો નથી. ૧૯ ઇંચથી વધુ વરસાદને પગલે બોપલની અનેક રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે અને વરસાદ બંધ થયાના ૭૨ કલાકથી વધુ સમય બાદ પણ અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ થઈ શક્્યો નથી. જેના કારણે હજારો રહેવાસીઓનું જનજીવન પ્રભાવિત બન્યું છે.સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં બોપલ ગામ તરફ આવેલી ભાગવત પાર્ક સોસાયટીનો સમાવેશ થાય છે. અહીં હજુ પણ સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. પાણી ભરાયેલા હોવાથી લોકોને ઘર બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે વૃદ્ધો, બાળકો અને દર્દીઓ માટે સ્થિતિ વધુ ગંભીર બની છે.પાણીજન્ય રોગચાળો ફેલાવાની આશંકાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રાહત અભિયાન શરૂ કર્યું છે.રસ્તાઓ પર બોટ જ એકમાત્ર વિકલ્પ બનતાં ફાયર વિભાગે મેડિકલ ટીમને બોટ મારફતે સોસાયટીમાં પહોંચાડી હતી. ટીમે ઘરે-ઘરે જઈ જરૂરી દવાઓનું વિતરણ કર્યું, તાવ, ઝાડા-ઊલટી, ચામડીના રોગો સહિત પાણીજન્ય બીમારીઓથી બચવા માટે લોકોને માર્ગદર્શન આપ્યું અને જરૂરિયાતમંદ લોકોની પ્રાથમિક આરોગ્ય તપાસ પણ કરી. રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતત સર્વેલન્સ પણ કરી રહ્યો છે.
આ પહેલા બોપલની સૂયર્શ્રીજી સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. અનેક પરિવારો પોતાના ઘરોમાંથી પાણી કાઢવાની કામગીરીમાં વ્યસ્ત દેખાયા હતા. કેટલાક પરિવારો તો છેલ્લા બે દિવસથી રસોઈ પણ બનાવી શક્્યા નથી. ઘરવખરી પાણીમાં તરતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જાવા મળી રહ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે, છેલ્લા બે દાયકામાં પહેલીવાર બોપલમાં આટલી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વરસાદ બંધ થયા પછી પણ ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર સિસ્ટમ અસરકારક રીતે કામ ન કરતી હોવાથી પાણીનો નિકાલ ધીમો રહ્યો છે. લોકોનું કહેવું છે કે પૂરતું આયોજન હોત તો આટલા લાંબા સમય સુધી પાણી ભરાયેલા ન રહેત.હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આજે શહેર માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સોમવારે પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. ૨૮ જુલાઈથી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થવાની શક્્યતા છે, પરંતુ વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી યથાવત છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.








































