વલસાડ જિલ્લામાં પૂરની વિકટ પરિસ્થિતિ બાદ હવે જનજીવન ઝડપથી સામાન્ય બને તે માટે રાજ્ય સરકારે કામગીરી તેજ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં સ્વચ્છતા અભિયાન, રસ્તાઓનું સમારકામ, વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવો, કેશ ડોલ અને રાશન કિટનું વિતરણ તેમજ નુકસાનના વીમા ક્લેઇમ ઝડપથી મંજૂર કરવા સહિતના મુદ્દાઓ પર જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
પૂરનું પાણી ઓસર્યા બાદ વલસાડ જિલ્લામાં પુનઃસ્થાપન કામગીરીને વેગ આપવા માટે સંઘવીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું કે હવે બચાવ કામગીરી બાદ સૌથી મોટું ધ્યાન સ્વચ્છતા, આરોગ્ય અને મૂળભૂત સેવાઓને પુનઃસ્થાપિત કરવા પર આપવું જરૂરી છે. તેમણે જે વિસ્તારોમાં પાણી ઓસરી ગયું છે ત્યાં તાત્કાલિક સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ અને રાશન કિટ વહેલી તકે પહોંચાડવા તંત્રને સૂચના આપી હતી.
નાયબ મુખ્યમંત્રીએ પાલિકા વિસ્તારોમાં વધારાના સફાઈ કર્મચારીઓની તાત્કાલિક ફાળવણી કરવાનો આદેશ આપ્યો હતો. ગંદકી, કાદવ અને સડેલા અનાજના નિકાલ માટે દરેક અસરગ્રસ્ત વિસ્તારમાં ટીમો બનાવી જેસીબી અને ટ્રકોની મદદથી યુદ્ધના ધોરણે સફાઈ હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. ગામડાઓમાં પાણી ઉતરતાં વીજ પુરવઠો ઝડપથી શરૂ થાય તે માટે તૂટી ગયેલા વીજ પોલ, તાર અને ટ્રાન્સફોર્મરની મરામત કામગીરી પણ તેજ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગને નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરીને વાહનવ્યવહાર વહેલી તકે શરૂ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
હર્ષ સંઘવીએ વીમા કંપનીઓને માનવતાના ધોરણે વધારાની સર્વે ટીમો તૈનાત કરીને નુકસાનના ક્લેઇમ ઝડપથી મંજૂર કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે પૂરગ્રસ્ત પરિવારોને સરકારી સહાયમાં કોઈ વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે પાણી ઉતરતા જ કેશ ડોલ સહાય માટે સર્વે શરૂ કરવામાં આવશે અને સર્વે પૂર્ણ થતાં જ સહાય સીધી અસરગ્રસ્તોને ચૂકવવામાં આવશે. તેમણે છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના નેતૃત્વમાં થયેલી બચાવ કામગીરી માટે ‘ટીમ વલસાડ’ તેમજ લોકસેવામાં જોડાયેલા જનપ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા.
વલસાડમાં પૂરની સ્થિતિ બાદ જનજીવન ઝડપથી સામાન્ય બનાવવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સફાઈ, વીજ પુરવઠો, રસ્તાઓના સમારકામ, કેશ ડોલ સહાય અને વીમા ક્લેઇમ ઝડપથી પૂર્ણ કરવા માટે તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી.