ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આણંદ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે ઉકળાટ અને ગરમી બાદ આકાશમાં ઘેરાયેલા વાદળો વચ્ચે અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરાવી દીધી છે. જા કે આ સાથે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે.ઉલ્લેખનીય છે કે આણંદના પેટલાદ શહેરમાં મુશળધાર વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પરથી વરસાદી પાણી નદીની જેમ વહેતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ખાસ કરીને પેટલાદ નગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમ પ્રથમ વરસાદમાં જ નિષ્ફળ સાબિત થતાં લોકોમાં રોષ જાવા મળ્યો છે.
બીજી તરફ, ખંભાત શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જારદાર બેટિંગ કરી છે. હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થતાં ખંભાતના મોચીવાડ, ટાવર, બાવાબાજીશા અને સાલવા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. આ તરફ માત્ર શહેરી જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ભાલપંથકના ઉંદેલ, કાળી તલાવડી, ટીંબા, વટાદરા, રોણી પાંદડ તેમજ ગોલાણા, વડગામ, મીતલી, ઝીણજ અને નગરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સિઝનના પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખતા આગામી દિવસોમાં સ્થિતિ કેવી રહેશે તેને લઈને લોકો ચિંતિત બન્યા છે.