દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન નજીક કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શનના પડઘા હવે ગુજરાતના રાજકારણમાં પણ જાવા મળી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ગુજરાત પ્રદેશ એકમ દ્વારા અમદાવાદમાં આવેલા કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન બહાર ધરણાં અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રદર્શનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત પ્રદેશના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ કોંગ્રેસના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા અને દિલ્હીમાં થયેલા વિરોધ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો.
વિરોધ પ્રદર્શનદરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યાલય આસપાસના સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
ઝોન-૭ સહિત વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઉપરાંત જેસીપી ડીસીપી એસીપી પીઆઇ અને પીએસઆઇ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કોંગ્રેસ કાર્યાલય તરફ જતાં મુખ્ય માર્ગો પર ડબલ લેયર બેરિકેડિંગ કરીને વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો.
દિલ્હીની ઘટનાના પગલે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય આક્ષેપ-પ્રત્યાઆક્ષેપો વધુ તેજ બન્યા છે. બંને પક્ષો પોતાના વલણને સમર્થન આપવા માટે જાહેર કાર્યક્રમો યોજી રહ્યા છે. અમદાવાદમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનને કારણે કોંગ્રેસ કાર્યાલય આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે રાજકીય ગરમાવો જાવા મળ્યો હતો.હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસની દેખરેખ હેઠળ સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળે છે.







































