શહેરના ગોકુલનગર વિસ્તારમાં માત્ર ગાળો બોલવાની શંકાના આધારે શરૂ થયેલો સામાન્ય ઝઘડો લોહીયાળ જંગમાં ફેરવાઈ ગયો હતો. એક યુવક પર છરીના જીવલેણ ઘા ઝીંકીને તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે મુખ્ય હુમલાખોરો સહિત પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આ ચકચારી ઘટના ગોકુલનગર વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટ પાસે ઘટી હતી. મૃતકના ભાઈ બાબુ ઉર્ફે રણજીતસિંહ જેઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકો અપશબ્દો બોલી રહ્યા હતા. આ બાબતે સોનુબા ગુમાનસિંહ જાડેજા નામના મહિલાને શંકા ગઈ કે ગાળો તેમને ઉદ્દેશીને આપવામાં આવી રહી છે. આ શંકાના આધારે તેઓ અન્ય પુરુષો સાથે મૃતકના ઘરે ઝઘડો કરવા પહોંચ્યા હતા.
જાતજાતામાં આ વિવાદ ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બંને પક્ષો વચ્ચે મામલો બિચકતા આરોપી પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા તીક્ષ્ણ છરી અને જયલો રાઠોડ નામનો શખ્સ લાકડાનો ધોકો લઈને ધસી આવ્યા હતા. ઘરની બહાર અચાનક ભારે બૂમાબૂમ થતાં પરિવારજનો દોડીને બહાર આવ્યા, ત્યારે પ્રદીપસિંહ જેઠવા નામનો યુવાન ગંભીર રીતે છરીના ઘા વાગવાના કારણે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળેલો મળી આવ્યો હતો.
ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરતા આખો મામલો હત્યામાં પલટાયો હતો. ઘટનાની ગંભીરતાને જાતા જામનગર પોલીસે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે હત્યા, મારામારી, ગેરકાયદે મંડળી રચવી અને જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, મુખ્ય આરોપીઓ સહિત પાંચેય હુમલાખોરોને જેલભેગા કરી દીધા છે અને આગળની કાનૂની તપાસ તેજ કરી છે.