શહેરના વોર્ડ નંબર-૯ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને સ્થાનિક સામાજિક અને યુવા કાર્યકર ઉવેજ કાદરીએ નગરપાલિકાના વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓ અને ગાબડાંના કારણે સ્થાનિક રહેવાસીઓ, શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ઉવેજ કાદરીના જણાવ્યા મુજબ શહેરમાં રસ્તાઓના નવનિર્માણ અને રોડ રિસર્ફેસિંગ માટે જરૂરી ગ્રાન્ટ ઉપલબ્ધ હોવા છતાં વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે કામગીરી શરૂ કરવામાં આવી નથી. પરિણામે રસ્તાઓની સ્થિતિ સતત વધુ ખરાબ બનતી જઈ રહી છે અને અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું કે વિકાસ કાર્યો માટે ફાળવાયેલી ગ્રાન્ટનો સમયસર ઉપયોગ ન થવાથી લોકોની સુરક્ષા જોખમાઈ રહી છે. જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે.આ મુદ્દે ઉવેજ કાદરીએ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં વોર્ડ નંબર-૯ સહિત શહેરના મુખ્ય માર્ગોનું તાત્કાલિક સમારકામ અને રોડ રિસર્ફેસિંગ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી નાગરિકોને હાલાકીમાંથી રાહત મળી શકે.