શેત્રુંજી નદી બચાવવા આખું ગામ એકજૂટ, ડ્રોન અને સીસીટીવીથી રખાશે નજર
અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં શેત્રુંજી નદીના પટમાંથી ભૂમાફિયાઓ દ્વારા લાંબા સમયથી થઈ રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે હવે ગ્રામજનોએ આરપારની લડાઈનું એલાન કર્યું છે. અતિશય રેતી ચોરીના કારણે નદીના અસ્તિત્વ અને પર્યાવરણ સામે મોટું જોખમ ઊભું થતાં સમગ્ર ગામ એકજૂટ થયું છે. આ ગંભીર મુદ્દે ગામમાં એક મહ¥વની બેઠક યોજાઈ હતી, જેમાં ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા માટેના આકરા નિર્ણયો લેવામાં આવ્યા હતા સરંભડા ગામમાં યોજાયેલી આ જનજાગૃતિ બેઠકમાં માત્ર સ્થાનિક રહીશો જ નહીં, પરંતુ રોજગાર અર્થે સુરત, અમદાવાદ, વડોદરા અને મુંબઈ જેવા મોટા શહેરોમાં સ્થાયી થયેલા ગામના યુવાનો તેમજ અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હાજર સૌ કોઈએ એક સ્વરે સંકલ્પ કર્યો હતો કે, હવેથી ગામની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાંથી કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર રીતે એક કણ પણ રેતી ઉપાડવા દેવામાં આવશે નહીં. આ બેઠક પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં અબાલ-વૃધ્ધ સૌ ગ્રામજનો એકત્રિત થઈને શેત્રુંજી નદીના પટમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરંપરાગત શૈલીમાં વિરોધ પ્રદર્શિત કરવા માટે રામધૂન બોલાવી હતી. ત્યારબાદ ગ્રામજનોએ નદીના પટમાં ‘રેતી ચોરી બંધ કરો’ અને ‘શેત્રુંજી નદી બચાવો’ જેવા ગગનભેદી નારા લગાવીને પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સરંભડા વિસ્તાર ઇકો-સેન્સિટિવ ઝોનની શ્રેણીમાં આવે છે. આ આસપાસના જંગલ અને નદી વિસ્તારમાં સિંહ, દીપડા તેમજ અન્ય દુર્લભ વન્યપ્રાણીઓની સતત અવરજવર રહેતી હોય છે. ભૂમાફિયાઓ દ્વારા દિવસ-રાત કરવામાં આવતા અંધાધૂંધ રેતી ખનનને કારણે નદીમાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે અને જળસંગ્રહ ક્ષમતા ઘટી રહી છે, જે ભવિષ્યમાં પર્યાવરણ અને વન્યજીવો માટે ભારે વિનાશક સાબિત થઈ શકે છે.ગામ લોકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે જો આગામી સમયમાં ફરી કોઈ વાહન નદીમાં રેતી ચોરી કરતું ઝડપાશે, તો તે વાહનો, સંડોવાયેલા ઈસમો અને સમગ્ર વિગતોના પુરાવા એકત્ર કરી પોલીસ તેમજ ખાણ-ખનિજ વિભાગને સોંપી કાયદેસરની કડક કાર્યવાહી કરાવવામાં આવશે. આ ઉપરાંત, ભૂમાફિયાઓ પર બાજ નજર રાખવા માટે ગામમાં વ્યૂહાત્મક સ્થળોએ સીસીટીવી (ઝ્રઝ્ર્ફ) કેમેરા લગાવવાનો અને જરૂર પડ્યે ડ્રોન કેમેરાની મદદથી આખા નદી વિસ્તાર પર દેખરેખ રાખવાનો નિર્ણય પણ લેવાયો છે. ગામના યુવાનોએ નદીના રક્ષણ માટે ચોવીસ કલાક ખડેપગે વોચ રાખવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. વહીવટી તંત્ર અને પોલીસના સહયોગથી ગામલોકો આ ગેરકાયદેસર પ્રવૃત્તિને જડમૂળથી નાબૂદ કરવા કટિબધ્ધ બન્યા છે.









































