અમરેલી જિલ્લામાં કલા મહાકુંભ-૨૦૨૬નું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ તા. ૫ ઓગસ્ટ સુધી ઓફલાઇન નોંધણી ફોર્મ ભરવાનું રહેશે. કલા મહાકુંભમાં કુલ ૩૭ સાંસ્કૃતિક કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૬થી ૧૪ વર્ષ, ૧૫થી ૨૦ વર્ષ, ૨૧થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપર એમ ચાર વયજૂથમાં સ્પર્ધાઓ યોજાશે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક કલાકારો માટે તાલુકાવાર નોંધણી કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. અમરેલી, બાબરા અને કુંકાવાવ તાલુકાના સ્પર્ધકો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, અમરેલી ખાતે ફોર્મ જમા કરાવી શકશે, જ્યારે અન્ય તાલુકાઓમાં નિયુક્ત કેન્દ્રો પર પણ નોંધણીની વ્યવસ્થા કરાઈ છે.