અમરેલી જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટોની સમીક્ષા માટે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ કાર્યોમાં ગતિ લાવવા અને જનહિતના પ્રોજેક્ટોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને માર્ગ વિકાસ, જાહેર સુવિધાઓ અને વિવિધ વિભાગોના ચાલુ કામોની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી. સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાળાએ જિલ્લાના વિકાસને લગતા મુદ્દાઓ રજૂ કરી સૂચનો આપ્યા હતા. બેઠકમાં અમરેલીના સાંસદ ભરત સુતરીયા, જે.વી. કાકડીયા, જનક તળાવિયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરી હતી.