ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાટણના એક સોની વેપારીને એન્કટી સિક્કા ખરીદવાની લાલચ આપીને મહેસાણામાં બોલાવવામાં આવ્યો હતો. અહીં અગાઉથી ગોઠવાયેલા કાવતરાના ભાગરૂપે વેપારીને ફ્લેટમાં બંધક બનાવી તેની સાથે મારપીટ કરવામાં આવી, કપડાં ઉતરાવી બિભત્સ ફોટા અને વીડિયો બનાવવામાં આવ્યા તેમજ રોકડ અને સોનાની માળાની લૂંટ ચલાવી વધુ રૂપિયા ૩ લાખની ખંડણી માંગવામાં આવી હતી. સમગ્ર મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.પોલીસ તપાસ મુજબ આરોપીઓએ પાટણના સોની વેપારીનો સંપર્ક કરીને તેમની પાસે દુર્લભ અને કિંમતી એન્ટક સિક્કા હોવાનો દાવો કર્યો હતો. સોદો કરવાના બહાને વેપારીને મહેસાણા શહેરના ખુશ્બુ ફ્લેટ ખાતે બોલાવવામાં આવ્યા હતા. વેપારી સ્થળ પર પહોંચતા જ સમગ્ર કાવતરાનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો.વેપારી ફ્લેટમાં પહોંચતા જ કેટલાક લોકો અંદર ઘૂસી આવ્યા અને તેમને ધમકાવી બંધક બનાવી દીધા. ત્યારબાદ વેપારીના કપડાં ઉતરાવી તેના બિભત્સ ફોટા અને વીડિયો બનાવવામાં આવ્યા. આરોપીઓએ આ ફોટા સોશિયલ મીડિયા અને પરિવારજનો સુધી પહોંચાડવાની ધમકી આપી વેપારી પર ભારે દબાણ ઊભું કર્યું હતું.આરોપીઓએ વેપારી પાસેથી અંદાજે રૂ. ૧૦ હજાર રોકડ તેમજ ગળામાં પહેરેલી આશરે ૧૮ ગ્રામ વજનની સોનાની ચેઇન છીનવી લીધી હતી. એટલું જ નહીં, વેપારીને બદનામ કરવાની ધમકી આપી વધુ રૂ. ૩ લાખ ચૂકવવાની માંગણી પણ કરી હતી.ઘટના બાદ ગભરાયેલા વેપારીએ મહેસાણાએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે હનીટ્રેપ ગેંગના બે મુખ્ય આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ સામે ખંડણી, લૂંટ, ગુનાહિત કાવતરું, ધાકધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. તેમની ધરપકડ માટે વિવિધ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે નાગરિકોને અજાણ્યા લોકો દ્વારા આપવામાં આવતી કિંમતી વસ્તુઓ, એન્ટીક સિક્કા અથવા સસ્તા સોદાની લાલચથી સાવચેત રહેવાની અપીલ કરી છે. આવા કોઈ પણ સોદા કરતા પહેલાં વ્યક્તિ અને સ્થળની સંપૂર્ણ ચકાસણી કરવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.








































