જસાધાર રેન્જ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેકોયેટર પ્રવેશ કરી વન્યજીવોને હેરાન કરતા અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા કેટલાક શખ્સો સામે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને ગંભીરતાથી લઈ ગીર પૂર્વ વન વિભાગ દ્વારા છેલ્લા ૧૫ થી ૨૦ દિવસ દરમિયાન વિશેષ તપાસ ચલાવવામાં આવી હતી. ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને સ્થાનિક પોલીસની મદદથી પંજા મહમદ અમીનભાઈ, મહમદભાઈ જાબીલ, અબુલ કાલાવાણીયા, કાજી,ફારૂક નાઝહુસેન સહિત ૮ વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી હોવાનું વન વિભાગે જણાવ્યું છે.
તપાસ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા અનેક ઇન્સ્ટાગ્રામ આઈડીની પણ ઓળખ કરવામાં આવી છે. આ તમામ વ્યક્તિઓ વેરાવળ અને પ્રાચી પાટણ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વન વિભાગે જણાવ્યું કે વન્યપ્રાણીઓને હેરાન કરવી, પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરવો અને આવા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવું કાયદેસર ગુનો છે.









































