સાવરકુંડલાની કે.કે. હાઈસ્કૂલ ખાતે ‘સ્કૂલ સેફ્‌ટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ વિષય પર વિશેષ માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નૂતન કેળવણી મંડળ સંચાલિત આ શાળાના એન.એસ.એસ. (NSS) યુનિટ અને વડોદરા NDRFના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં NDRFના નિરીક્ષક બસંત તીરકી અને તેમની ટીમે કુદરતી આપત્તિઓ સામે સુરક્ષા અંગે
વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દરમિયાન ઇજાગ્રસ્તોને પ્રાથમિક મદદ, રક્તસ્રાવ રોકવા, CPR આપવા, ભૂકંપ સમયે ‘ડ્રોપ, કવર એન્ડ હોલ્ડ’ પદ્ધતિ તેમજ પૂરની સ્થિતિમાં વીજપ્રવાહથી બચવાના ઉપાયોનું જીવંત નિદર્શન કરાયું હતું. એન.એસ.એસ. અધિકારી વિપુલભાઈ દવે દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.