ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રણેતા નરેશભાઈ પટેલના જીવનના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨મા વર્ષમાં મંગળ પ્રવેશના અવસરે ખોડલધામ ટ્રસ્ટ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સેવાનો મહોત્સવ ઉજવાયો હતો. આ નિમિત્તે રાજકોટ, ગુજરાત તેમજ મુંબઈ, ચેન્નાઈ અને મધ્યપ્રદેશ સહિત ૧૦૦થી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા, જેમાં હજારો રક્તદાતાઓએ આપેલું અમૂલ્ય રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓની સહાય માટે વિવિધ બ્લડ બેંકોમાં જમા કરાવાયું છે. નરેશભાઈ પટેલે રાજકોટના ત્રણ કેન્દ્રો પર રૂબરૂ હાજરી આપી તમામ રક્તદાતાઓ અને આયોજકોનો આભાર માન્યો હતો. આ સાથે જ નિર્માણાધીન ખોડલધામ કેન્સર હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ, આશ્રમોમાં ભોજન, ગાયોને ઘાસચારો તેમજ નિકાવા અને ખરેડીમાં સર્વરોગ નિદાન-ચિકિત્સા કેમ્પ જેવા અનેકવિધ સેવાકાર્યો દ્વારા આ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.