જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમે મોટાવડાળા ગામમાં જાહેરમાં રમાતા જુગારધામ પર દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના “નિકાવા ઓ.પી.” વિસ્તારમાં મોટાવડાળા ગામે સાહિલભાઈ અસરફભાઈ મોગલના મકાન પાછળ આવેલા ખરાબામાં પીપળાના ઝાડ નીચે કેટલાક શખ્સો જાહેરમાં “તીનપત્તી રોન પોલીસ” નામનો જુગાર રમી રૂપિયા પર હારજીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.જે દરોડા દરમિયાન પોલીસે મનીષભાઈ હસમુખભાઈ શ્રીમાળી (ઉં.વ. ૩૫), મિલનભાઈ ભરતભાઈ ગોંડલીયા (ઉં.વ.૧૯), બાસીદભાઈ વલીમામદભાઈ મોગલ (ઉં.વ.૨૮), મુખ્તારભાઈ અલ્લરખાભાઈ મોગલ (ઉં.વ.૫૬) તથા અનવરભાઈ ઇસ્માઈલભાઈ મુલતાની (ઉં.વ.૪૩), તમામ રહે. મોટાવડાળા ગામ, તા. કાલાવડને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.ઉપરોક્ત તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૦,૮૨૦ તથા ગંજીપતાના ૫૨ પત્તા મળી કુલ રૂ.૧૦,૮૨૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.