નારણપુરાના જૈન મંદિરમાંથી પદ્માવતી માતાજીના ચાંદીના મુકુટ અને છત્રની ચોરીના ગુનાને એલસીબી ઝોન-૧ની ટીમે સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઓટો રિક્ષા મળી કુલ રૂપિયા ૧.૭૬ લાખનો માલ કબજે કર્યો છે.એલસીબી ઝોન-૧ની ટીમ મિલકત સંબંધિત ગુનાઓને ઉકેલવા માટે સક્રિય હતી. તે દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે લગભગ ૨૦ દિવસ પહેલાં નારણપુરાના પ્રગતિનગર વિસ્તારમાં આવેલા જૈન મંદિરમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં બળદેવ ભરતભાઈ વાંસફોડિયા, રવિ ઉર્ફે લલો ચંદુભાઈ પાટણવાડિયા અને અરુણ ઉર્ફે દદુ નારણભાઈ ડાભીનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી પદ્માવતી માતાજીનો ચાંદીનો મુકુટ, ચાંદીનું છત્ર અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઓટો રિક્ષા મળી કુલ રૂપિયા ૧.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.ડીસીપી ઝોન-૧ ડા. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળોને નિશાન બનાવી ચોરી કરતા તત્વો સામે અમદાવાદ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આ મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(ડી), ૩૩૧(૪) અને ૩(૫) હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન એક આરોપી સામે અગાઉ પણ મિલકત સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.એલસીબી ઝોન-૧ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, ગુપ્ત બાતમી અને સતત દેખરેખના આધારે ટૂંકા સમયમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચોરાયેલો ધાર્મિક મુદ્દામાલ પણ પરત મેળવવામાં સફળતા મળી છે. આવા ગુનાઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને કાયદાની પકડમાંથી બચવા દેવામાં નહીં આવે.આ સમગ્ર કામગીરીમાં એલસીબી ઝોન-૧ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે. ચાવડા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સહિત અન્ય સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે.







































