અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ સ્થાને ૧૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ જિલ્લા અદાલત તેમજ જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. વધુમાં વધુ પક્ષકારો આ લોક અદાલતનો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર, દીવાની દાવા, ચેક પરતના કેસ, જમીન સંપાદન, કામદાર અને માલિક વચ્ચેના વિવાદ તેમજ માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો સહિત વિવિધ પ્રકારના પડતર કેસો સમાધાન માટે રજૂ કરી શકાશે. વધુ માહિતી માટે નજીકની તાલુકા અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરવા, ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર ફોન કરવા અથવા કાનૂની સેવા સત્તા મંડળની વેબસાઇટની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે.