બગસરામાં વાલ્મિકી સમાજ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન બાદ તમામ સફાઈ કામદારોએ પાલિકા કચેરીએ ઉપસ્થિત રહી પોતાની વિવિધ સમસ્યાઓને લઈને ધારદાર રજૂઆતો કરી હતી. કામદારોએ સમયસર પગાર ચુકવવા, ચડત પગાર એક સાથે આપવા, ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવા અને વધતા કામના ભારને ઘટાડવા વધારાના કર્મચારીઓ રાખવાની માંગ કરી હતી. ઉપરાંત નિવૃત્ત અને ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીઓના આશ્રિતોને નોકરી આપવા, દર મહિને સલામતીના સાધનો પૂરા પાડવા તેમજ શ્રમ વિભાગના નિયમ મુજબ ૩૦ દિવસનો પગાર અને સવેતન સાપ્તાહિક રજાનો લાભ આપવાની માંગ ઉઠાવી હતી. સમગ્ર મામલે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા માંગ કરાઈ હતી.