મોરબીના જેતપર અને ચકમપર ગામની સીમમાં પાંચ શખ્સો ચોરી અને લુંટ કરવાના ઇરાદે ગત તા. ૪/૬ ની રાતે આવ્યા હતા અને રાતના ૧૦ઃ૦૦ થી લઈને ૧૧ઃ૩૦ સુધીના સમયગાળામાં જુદીજુદી બે વાડીમાં લૂંટ અને ચોરી કરવાના ઇરાદે ઘૂસી ગયા હતા અને ત્યાં હાજર રહેલા દંપતીને ડરાવવામાં આવ્યા હતા. જા કે, તેઓની પાસેથી દાગીના કે રોકડ નહી મળતા છરી અને ધોકા જેવા હથીયાર બતાવીને મહિલાને પતિને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી.
જેતપર ગામે પાંચ પૈકીનાં એક શખ્સે મહિલાની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ આ ગેંગ ચકમપર ગામે વાડી વિસ્તારમાં પહોચી હતી અને ત્યાં હાજર રહેલા દંપતીમાં પુરુષને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપીને મહિલા સાથે પાંચ પૈકીનાં ૩ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં મુખ્ય સુત્રાધાર આરોપી દિનેશભાઇ મધુભાઇ જખાનીયા રહે. મથક વાળાની ધરપકડ કરીને રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
આ બંને બનાવ સંદર્ભે જુદીજુદી બે ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી અને તપાસ દરમ્યાન પોલીસે અગાઉ આ ગુનામાં આરોપી નવઘણ કાળુભાઇ વાધેલા, દિલીપ કેશાભાઇ વાજેલીયા, મુન્ના ગંગરામભાઇ વાજેલીયાની ધરપકડ કરી હતી અને એક કાયદાના સંધર્ષમાં આવેલ બાળ કિશોર સામે પણ કાર્યવાહી કરી હતી. જા કે આ ગુનામાં મુખ્ય સુત્રાધાર આરોપીને પકડવાનો બાકી હતો.
તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, આરોપી દિનેશભાઈ જખાનીયા બાઇક લઈને ધ્રોલથી ભાદરા પાટિયા થઈને આમરણ તરફ જવાનો છે. જેથી એલસીબીની ટીમે વોચ રાખીને દુષ્કર્મના ગુનામાં મુખ્ય સુત્રાધાર આરોપી દિનેશભાઇ મધુભાઇ જખાનીયા રહે. મથક વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી બાઇક અને મોબાઈલ મળીને ૨૦ હજારનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ શખ્સની સામે અગાઉ વાંકાનેર, ધ્રાંગધ્રા અને મોરબી તાલુકામાં કુલ મળીને ૪ ગુના નોંધાયેલ છે.
હાલમાં પકડાયેલ આરોપી ગેંગ બનાવીને રાતના સમયે વાડી વિસ્તારમાં ચોરી કરવા જતો હતો અને દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી કે લૂંટ કરતાં હતા અને જા મહિલા હોય તો તેની સામે દુષ્કર્મ આચારતો હતો. હાલમાં આરોપીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.







































