હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે. સતત મુશળધાર વરસાદને કારણે, રાજ્યના સિરમૌર અને સોલન જિલ્લામાં શુક્રવારે તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા હતા. ભારતીય હવામાન વિભાગ, શિમલાની તાજેતરની આગાહી મુજબ, ૧૨ થી ૧૫ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડશે, સાથે જ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.આઇએમડીએ રાજ્યના ઘણા ભાગોમાં ભૂસ્ખલન, અચાનક પૂર, ઝાડ ઉખડી જવા અને રસ્તાઓ પર અવરોધ આવવાની ચેતવણી પણ આપી છે.
ભારે વરસાદને કારણે કુલ્લુમાં એકનું મોત થયું છે. ૧૨૪ રસ્તા બંધ, ૪૪૨ ટ્રાન્સફોર્મર બંધ અને ૧૯ પીવાના પાણીની યોજનાઓ પ્રભાવિત થઈ છે. મુશળધાર વરસાદે સિરમૌર જિલ્લાના ઘણા ભાગોમાં વિનાશ વેર્યો છે, જેમાં કાલા અંબ ઔદ્યોગિક વિસ્તારનો પણ સમાવેશ થાય છે, જ્યાં પાણી ભરાઈ જવાથી જનજીવન ભારે ખોરવાઈ ગયું છે અને શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સિરમૌર જિલ્લામાં ૨૦૭ મીમી નોંધાયો હતો, ત્યારબાદ નાહનમાં ૧૫૮.૫ મીમી, ધૌલકુઆનમાં ૭૦ મીમી અને પાઆેંટા સાહિબમાં ૬૨.૮ મીમી વરસાદ નોંધાયો હતો.
વરસાદને કારણે રાજધાનીમાં સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું, શિમલા જિલ્લામાં ૨૭ રસ્તા વાહનોની અવરજવર માટે બંધ થઈ ગયા. શહેરના વિકાસનગર વિસ્તારમાં એક ઇમારતની સામેની દિવાલ ધરાશાયી થઈ, જેના કારણે રસ્તા પર પાર્ક કરેલા બે વાહનોને નુકસાન થયું. અધિકારીઓએ જણાવ્યું કે શિમલા જિલ્લાના સુન્ની વિસ્તારમાં ભારે વરસાદથી બ્રાન્ડલી ગામમાં એક ઘરની રિટેનિંગ વોલને નુકસાન થયું અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાના કેમ્પસમાં પાણી ઘૂસી ગયું, જ્યાંથી લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર કલાકમાં સિરમૌર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે નાહાન જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું છે. સિરમૌર જિલ્લાની મુખ્ય નદીઓ, ટોન્સ, યમુના, બાટા, ગિરી અને માર્કંડા, તેમજ ડઝનબંધ નાના નાળાઓ પૂરમાં છે. વહીવટીતંત્રે લોકોને આ નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.
વરસાદને કારણે જિલ્લાના રસ્તાઓ પણ પ્રભાવિત થયા છે. જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી) અનુસાર, જિલ્લામાં કુલ ૩૪ રસ્તાઓ બંધ રહ્યા. આમાં શિલ્લાઈ સબડિવિઝનમાં ૨૧, સંગ્રાહમાં આઠ, નાહાનમાં ચાર અને રાજગઢમાં એકનો સમાવેશ થાય છે.
સિરમૌર જિલ્લાના પાઆેંટા સબડિવિઝનમાં ગુરુવારે મોડી રાત્રે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, નાહન, સંગ્રાહ, પછડ અને રાજગઢ સબડિવિઝનના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ્સએ વહેલી સવારે અલગ-અલગ આદેશો જારી કર્યા. દિવસ દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની આઇએમડીની ચેતવણીને ધ્યાનમાં રાખીને, સિરમૌર જિલ્લાના પાઓન્ટાના દ્વિજ ગોયલે શુક્રવારે સબડિવિઝનમાં તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જા કે, આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમામ શિક્ષણ અને બિન-શિક્ષણ સ્ટાફ પોતપોતાની સંસ્થાઓમાં હાજર રહેશે અને તેમને ફરજમાંથી મુસક્તિ આપવામાં આવશે નહીં.






































