કાકીએ વેલણ ફેરવ્યું ‘સરરર… સરરર…’ અને એકદમ ગોળમટોળ, જાડી-પાડી પૂરી તૈયાર થઈ. એક રસોડામાં કાકી મસાલેદાર બટાકાનું શાક બનાવતાં હતાં અને સાથે ગરમાગરમ પૂરી વણતા હતા.
કાકીએ એ પૂરીને ઉકળતા તેલની કડાઈમાં નાખી. પૂરીએ અંદર જઈને ડૂબકી મારી! પછી તેલની અંદર ‘છમમમ… છમમમ…’ કરતાં કરતાં એ તો દડાની જેમ ફૂલી ગઈ. પૂરીને કળાઈમાં ગરમી બહુ લાગી એટલે એણે કડાઈમાંથી બહાર કૂદકો માર્યો – ધૂમમમ!
પૂરી તો રસોડાના પ્લેટફોર્મ પર દળદળ દોડવા લાગી. કાકી ઝારો લઈને પાછળ દોડ્યાં, ‘અરે ઊભી રહે! ક્યાં દોડે છે! તારા પર શાક મૂકીને મારે તને ખાવાની છે!’
પૂરી ઠેકડા મારતાં-મારતાં હસીને બોલી, ‘ના કાકી ના! હું તો ચાલી પિકનિક મનાવવા… મને પકડી શકો તો પકડી લો!’ અને પૂરી બારીમાંથી બહાર કૂદી પડી.
ફળિયામાં કલ્લુ કૂતરાભાઈ ઊંઘતા હતા. પૂરી એમના નાક પરથી ટપ્પો ખાઈને આગળ વધી! કાળુભાઈ ઝબકીને જાગ્યા અને બોલ્યા, ‘ભૌં ભૌં! આ શું? ગરમ-ગરમ ગોળ દડો મને અડીને ક્યાં ગયો? અરે, આ તો પૂરી છે!’ કાળુભાઈ પૂરીને ખાવા લાળ ટપકાવતા પાછળ દોડ્યા.
પૂરી ગુલાંટ ખાતાં-ખાતાં ગાવા લાગીઃ
“તેલમાંથી ભાગી હું!
કાકીથી ના પકડાણી હું!”
“અરે કાળુ ભાઈ, હું તમારા હાથમાં ક્યાંથી આવવાની? હું તો આ દોડી! પકડી શકો તો પકડી લો!”
ત્યાં તો રસ્તામાં મીની માસી મળ્યાં. પૂરીને દોડતી જોઈને એણે ઝાડ પરથી નીચે કૂદકો માર્યો – ‘મ્યાઉં! આજે તો પૂરી-શાકની ઉજાણી!’ પણ પૂરી તો બહુ ચાલાક. એ મીની માસીના બે પગની વચ્ચેથી સરરર કરીને નીકળી ગઈ! મીની માસી ધબ્બ દઈને કાળુભાઈ સાથે ભટકાઈ ગઈ! બંને જણા રસ્તા પર ગોળ-ગોળ દોડ્યાં. પૂરી ખડખડાટ હસવા લાગી – ‘હાહાહા! હીહીહી!’
દોડતાં-દોડતાં પૂરી બગીચામાં પહોંચી. ત્યાં એણે લપસણી જોઈ. પૂરીને તો બહુ મજા પડી ગઈ. તે લપસણી પર ચઢી ગઈ અને ઉપરથી નીચે આવી – ‘ઝૂઝૂઝૂ… સરરર…!’ તે હવામાં ઊછળીને ઊંચી-ઊંચી કૂદવા લાગી અને બોલી, ‘હું છું સુપર-પૂરી છું! મને કોઈ ન પકડી શકે! મને કોઈ ન પકડી શકે!’
બગીચામાં એક બેન્ચ પર ચીકુ બેઠો હતો. તે બહુ હોશિયાર હતો. ચીકુ સમજી ગયો કે આ પૂરી બહુ ચાલાક છે. એ દોડીને નહીં પકડાય. મારે કોઈ યુક્તિ વિચારવી જ રહી!
ચીકુએ પોતાનું મોં બગાડ્યું અને મોટેથી બોલ્યો, “છી… છીપ આ તે કેવી ખરાબ પૂરી છે! આ તો આખેઆખી ખરબચડી પૂરી છે! આવી તે કંઈ પૂરી હોતી હશે!”
પોતાના વિશે આવું સાંભળીને ગોળમટોળ પૂરી લાલચોળ થઈ ગઈ. એ તો ઠેકડો મારીને ચીકુની સાવ સામે આવી ગઈ અને બોલી, “એય ચીકુ! તારી આંખો બગડી ગઈ છે કે શું? જો હું કેટલી ગોળમટોળ અને મસ્ત છું!”
પૂરી પોતાનું ગોળપણું બતાવવા માટે ચીકુના નાકની સામે જઈને ‘ભમરડા’ની જેમ ગોળ-ગોળ ફરવા લાગી – ‘ઝૂઉઉઉમપ ઝૂઉઉઉમ…!’
ચીકુએ આ જ તકની રાહ જોતો હતો. જેવી પૂરી ગોળ-ગોળ ફરતાં-ફરતાં નજીક આવી કે ચીકુએ હવામાં હાથ લંબાવ્યો અને ફટાક કરીને પૂરીને હવામાં જ પકડી લીધી!
પૂરી તો ડરી ગઈ! એ બોલી, “અરે રે! આ શું થયું?” ચીકુ હસ્યો અને બોલ્યો, “પકડાઈ ગઈ ને! તેણે મોં ખોલ્યું અને ગપપપ… કડચડચ…! કરતાં પૂરીને છેક પેટમાં પહોંચાડી દીધી. પણ આ તો ગોળમટોળ પૂરી! પેટમાં જઈને પણ એ તો ગોળમટોળ ફૂલી અને ચીકુનું પેટ પણ પૂરી જેવું ‘ગોળમટોળ’ થઈ ગયું!
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭








































