અમદાવાદમાં રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા વૃદ્ધ વેપારીને પાણીની બોટલ બનાવવાનો નવો ધંધો શરૂ કરાવી તેમાં ૫૦ ટકા નફાની ભાગીદારી આપવાની લાલચ આપી ૧.૫૫ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ થઇ છે. ચોંકાવનારી વાત એ છે કે આ છેતરપિંડી અન્ય કોઈએ નહીં, પરંતુ વેપારીની ઓફિસમાં છેલ્લા ૧૦ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સે પોતાના પુત્ર અને પુત્રવધૂ સાથે મળીને આચરી હતી. આરોપીઓએ મશીન ખરીદવાના નામે બનાવટી બિલ, ખોટાં ક્વોટેશન અને ફેક બેંક સ્ટેટમેન્ટ રજૂ કરી રોકાણની રકમ કંપનીને ચૂકવવાના બદલે પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. વેપારીએ નફાનો હિસાબ માંગતાં આરોપીઓ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા અને બાદમાં રાતોરાત મશીનરી ખસેડવાનોપ્રયાસ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
અમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા અને રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા ૬૦ વર્ષીય પરેશભાઈ પ્રમુખભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સીજી રોડ ખાતેની ઓફિસ જે કોમ્પલેક્સમાં આવી છે તેમાં છેલ્લા ૧૦ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા સંદીપભાઈ ચંદ્રકાંતભાઈ પરીખ, તેમના પુત્ર ઉજાસ સંદીપભાઈ પરીખ તથા પુત્રવધૂ અમીબેન પરીખે તેમને ચૂનો લગાવ્યો છે.
ફરિયાદ મુજબ, સંદીપભાઈ અને તેમના પુત્ર ઉજાસે પરેશભાઈને ‘સારસ ફૂડ એન્ડ બેવરેજીસ’ નામે પાણીની બોટલના ઉત્પાદનનો ધંધો શરૂ કરવાની અને તેમાં ૫૦ ટકા નફાની ભાગીદારી આપવાની લાલચ આપી હતી. આ માટે સિડેલ કંપનીનું ૧૧.૪૪ કરોડનું નવું પીઇટી બ્લોઇંગ મશીન ખરીદવાનું હોવાનું જણાવ્યું હતું. એપ્રિલ-૨૦૨૩થી જુલાઈ-૨૦૨૪ દરમિયાન પરેશભાઈ અને તેમની પત્ની પાસેથી ચેક તથા બેંક ટ્રાન્સફર મારફતે ૧.૪૭ કરોડ તેમજ ફેક્ટરીના મેન્ટેનન્સના ખર્ચ પેટે રોકડ ૮,૧૨,૩૯૪ મેળવી કુલ ૧.૫૫ કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી.ઉજાસે મશીન ખરીદવાના નામે સિડેલ કંપનીનું ખોટું ક્વોટેશન અને ટેક્સ ઇન્વાઇસ રજૂ કર્યું હતું. ઉપરાંત તેની પત્ની અમીબેનના યસ બેંકના ખાતામાંથી મશીન કંપનીને ચૂકવણી કરવામાં આવી હોવાનું દર્શાવતું બનાવટી બેંક સ્ટેટમેન્ટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જાકે તપાસમાં જણાયું કે કંપનીને ચૂકવણી કરવાના બદલે સમગ્ર રકમ ઉજાસે પોતાના જ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી.
સમયસર નફો ન મળતા પરેશભાઈએ હિસાબ માંગ્યો હતો, પરંતુ આરોપીઓ સતત બહાનાંબાજી કરતા રહ્યા હતા. બાદમાં તેઓ પોતાના મળતિયા સાથે મળીને રાતોરાત મશીનરી ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ થતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આખરે પરેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








































